(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.રપ
કોરોનાના પગલે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો કરવાના ઉદ્દેશ સાથે વડોદરાના સાંસદે ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. રૂા.૧ કરોડનું અનુદાન સાંસદ અને શહરે ભાજપ અધ્યક્ષ રંજનબહને ભટ્ટે ફાળવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલને આ ગ્રાન્ટની રકમ ફાળવતા તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોએ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્યતંત્ર સતત કાર્યરત છે. ત્યારે ગોત્રી સ્થિત જીએમઈઆરએસ ખાતે વેન્ટિલેટર અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓના ભાગરૂપે આઈસોલેશન વોર્ડનું નિર્માણ કરવામાં આ અનુદાન લોકસેવા માટે ઉપયોગી નીવડશે.
કોરોના વાયરસ માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ગોત્રી જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, હજી હોસ્પિટલની કામગીરી ચાલુ છે. બને તેટલા જલ્દી હોસ્પિટલ શરૂ થઈ જશે. રપ૦ બેડ લગાવવાની કામગીરી ચાલુ છે. વડોદરામાં અત્યાર સુધીમાં ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧ હજાર લોકો હોમ ક્વોરન્ટાઈન પર છે.