(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
દેશમાં સતત વધતા જતા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં પ્રથમ જનતા કર્ફયુ પછી લોકડાઉન અને હવે કર્ફયુ નાખવાની હિલચાલ ચાલી રહી છે. આ બધા સજ્જડ પગલાં છતાં વિવિધ હોસ્પિટલોના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો, ગ્રામ્ય, નગર-શહેર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના આવશ્યક સેવામાં જોડાયેલા સ્ટાફ, પોલીસ, આરોગ્ય કર્મચારીઓ, ફાયરબ્રિગેડ, પત્રકારો વગેરે જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સરકારે આવા કર્મચારીઓ માટે તાળી પડાવવાને બદલે ખાસ એનાઉન્સ કે પ્રોત્સાહક રકમ જાહેર કરવી જોઈએ. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં અને દેશભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે. ત્યારે આ ભયંકર મહામારી સામે મુકાબલો કરવાનો એકમાત્ર ઉપાય પોતાની જાતને ઘરમાં કેદ કરી રાખવાનો જ છે. જો દરેકે દરેક વ્યક્તિ પોતે જ સંકલ્પ લઈ પંદરેક દિવસ ઘરમાં જ રહે તો આ મહામારી સામે લડવાની સરકારની કામગીરીને વધુ બળ મળશે. આખુ ગુજરાત કે આખો દેશ ઘરમાં કેદ થઈ જાય તો પણ ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલનો અન્ય સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો, ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ સહિતના જવાનો, તમામ ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવશ્યક સેવામાં જોડાયેલો સ્ટાફને તો પ્રજાની સેવામાં ર૪ કલાક ખડેપગે હાજર રહેવું જ પડે છે. આથી તેમની કામગીરીને બિરદાવી જ રહી અને સલામી આપવી જ રહી. દેશના વડાપ્રધાને ગતરોજ જનતા કર્ફયુ દરમિયાન સાંજે પાંચ વાગે તમામ દેશવાસીઓને આવશ્યક સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવવા તાળી વગાડવા, ઘંટનાદ, થાળીઓ વગાડવા, મંજીરા વગાડવા વગેરે અપીલ કરી હતી. જો કે આ રીતે બહાર નીકળી તાળી કે ઘંટ વગાડવાથી તેમને ખુશી મળતી હોય તો અલગ વાત છે. પરંતુ જો સરકાર ખરેખર આવા સાચા સમાજ સેવકોનું હિત ઈચ્છતી હોય તો આવશ્યક કે આરોગ્ય સેવા સહિત ફરજિયાત સેવામાં જોડાયેલા અધિકારીઓ કે કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ એનાઉન્સ, ડબલ પગાર કે પ્રોત્સાહક રકમની જાહેરાત કરવી જોઈએ. જેથી તેમને ફરજ અને સેવા બજાવવામાં ઉત્સાહ મળી રહે.