(સંવાદદાતા દ્વારા)
મોરબી, તા.૨
લોકડાઉનને લઈને મોરબી જિલ્લામાં ફસાયેલા રાજ્ય બહારના શ્રમિકોને સરકારી ગાઈડલાઇન્સ અનુસરીને વતન જવાની છૂટ અપાતા સ્થળાંતર કરવા માટે જરૂરી એવું આરોગ્યનું પ્રમાણપત્ર મેળવવા માટે શ્રમિકો વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા. યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોરબી જિલ્લામાં ખેતીવાડીથી લઈને તમામ ક્ષેત્રોમાં મજૂરી કરવા આવેલા શ્રમિકો લાંબા ચાલેલા લોકડાઉનને લઈને અહીં ફસાઈ ગયા હતા. જેઓ સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે અને વ્યવસ્થા મુજબ પોતાના વતન પરત ફરવા માટે મક્કમ બન્યા છે. આ માટે સ્વસ્થ આરોગ્યને પેરામીટર માનવામાં આવ્યું છે. આરોગ્ય ચકાસણી કરીને આપવામાં આવતા પ્રમાણપત્રને આધારે તેઓ વતન પરત ફરી શકે છે. મોરબી જિલ્લામાં આ માટે પીએચસી સેન્ટર ખાતેથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવા આજે વહેલી સવારે ૪ વાગ્યાથી લાંબી કતારો જોવા મળી રહી છે. મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન (શહેરી) સેન્ટરોમાંથી આરોગ્યની ચકાસણી કરી આરોગ્ય પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. લાલપર ગામના આરોગ્ય કેન્દ્રમાં પ્રમાણપત્રો કાઢી અપવા માટે ડૉ. હિરેન વાસદરિયાએ ટોકન સિસ્ટમ લાગુ કરી છે. જે અન્વયે ૬૦૦ લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મજૂરો માટે તેઓને છાંયો મળી રહે કે તેઓ માટે પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. તેથી, ઉનાળાના તાપમાં શ્રમિકો માટે લાઈનમાં ઉભા રહેવું આકરું થઇ ગયું છે. મજૂરો પરેશાન થઇ રહ્યા છે ત્યારે આ સામાન્ય મજૂરો માટે તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવાની તંત્રએ યોગ્ય આયોજન કરવું અત્યંત જરૂરી છે.