અમદાવાદ, તા.૧૯
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કઠવાડા ખાતે આવેલા ૧૦૮ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ (સીડીએચઓ) અને અધિક જિલ્લા આરોગ્ફ અધિકારી (એડીએચઓ)ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યભરના મેડિકલ કોલેજના ડીન, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે, વિવિધ મેડિકલ કોલેજ ખાતે ઉપયોગમાં આવતા નવા-નવા તબીબી સાધનોની જાણકારીથી અવગત થવું એ આજની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું કે, દિવસને દિવસે નવા-નવા રોગો ઉભરી આવે છે ત્યારે તેના શમન માટે અગાઉથી જ અગમચેતીના પગલારૂપે જરૂરી તાલીમ અને ઓપરેશન માટે તથા દર્દીઓના નિરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો અને ઉપયોગમાં લેનારા પરિક્ષણો વિશેની જાણકારી મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.