(એજન્સી) તા.૮
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ ડાઉનલોડ કરવાના કથિત ફરજિયાત કરવાના આદેશ સામે વાંધો વ્યક્ત કરતાં સોમવારે કહ્યું કે, ભારતમાં નિરીક્ષણ રાજની સ્થાપના માટે મોદી સરકાર કોવિડ-૧૯ને બહાનું ન બનાવે. તેમણે કહ્યું કે, આરોગ્ય સેતુ એપ દેશ પર નિયંત્રણ મેળવવાના મોદી સરકારના પ્રયાસોને બંધ બેસે છે. તેમણે કહ્યું હતું કે, સરકાર તરફથી તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવી ફરજિયાત કરાયું છે. તેના લીધે પ્રાઈવસી અને ડેટા સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. મોદી સરકારે ભારતમાં નિરીક્ષણ રાજ સ્થાપિત કરવા માટે કોવિડ-૧૯ને બહાનું ન બનાવવું જોઈએ. ગત દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આરોપ મૂક્યો હતો કે, આરોગ્ય સેતુ એપ એક અત્યાધુનિક નિરીક્ષણ પ્રણાલી છે જેનાથી પ્રાઈવસી તથા ડેટા સુરક્ષા સામે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આરોગ્ય સેતુ એપ સરકારે કોરોના વાયરસના કેસની ટ્રેકિંગ માટે બનાવી હતી. આ એપને કરોડો લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. નીતિ આયોગે પણ કહ્યું હતું કે, આ એપ આશરે ૯ કરોડ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. તેમાં જલદી જ ટેલીફોનના માધ્યમથી મેડિકલ સલાહની સુવિધા પણ ઉમેરવામાં આવશે.