અમદાવાદ,તા.રર
ગુજરાત હાઈકોર્ટે ખેરાલુ તાલુકાના મલારપુરામાં માતા, પિતા અને પુત્રીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનાર દોષિતની મૃત્યુદંડની સજા રદ કરી છે. તેની સાથે સાથે જ તે સમજદાર છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ કર્યા બાદ ફેર સુનાવણી કરવા આદેશ આપ્યો છે. આ પહેલા વિસનગર સેશન્સ કોર્ટે આરોપીની ઈન્ટેન્સિટીને ધ્યાનમાં નહીં લીધી હોવાનું જોતા હાઈકોર્ટે ફેરસુનાવણી કરવા આદેશ આપ્યો છે. ટ્રાયલ દરમિયાન આરોપી નાગજીજી ઠાકોરની માનસિક બીમારીની સારવાર કરાઈ હતી. કાયદા પ્રમાણે કોઇ વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતી હય તો તેની સામે કાર્યવાહી કરી શકાય નહીં, કારણ કે આ સ્થિતમાં તે પોતાના બચાવ પક્ષમાં કંઇ કહી શકે નહીં.
ટ્રાયલ કોર્ટે CRPCની કલમ ૩૨૯ની જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું કે જેના દ્વારા તે નક્કી કરાય કે આરોપી માનસિક બીમારીથી પીડાઇ છે કે કેમ અને તે પોતાના બચાવ પક્ષમાં કંઈક કહી શકે છે કે કેમ. ત્યારબાદ આ સુનાવણીને આગળ વધારાઈ અને શખ્સને મોતની સજા સંભળાવાઈ. જેથી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આરોપી માનસિક બીમારીથી પીડિત છે તે અંગે તપાસ કર્યા બાદ ફેરસુનાવણી હાથ ધરવા આદેશ આપ્યો છે.