(એજન્સી) લખનૌ, તા.૧૮
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં આવેલ બ્રાઈટલેન્ડ સ્કૂલમાં ગુરૂગ્રામની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલ જેવી ઘટનાથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. આ કેસમાં યુપી પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલને કસ્ટડીમાં લીધા છે. પ્રિન્સિપાલ પર આરોપ છે કે ઘટનાના ર૪ કલાક થવા છતાંય તેમણે ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ ચાકુ મારનાર આરોપી વિદ્યાર્થિનીએ ખુલાસો કર્યો છે કે તે સ્કૂલમાં રજા ઈચ્છતી હતી તેણીએ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ખુલાસો થયા બાદ લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ બધાની વચ્ચે ઘટનામાં ઘાયલ વિદ્યાર્થી ઋત્વિકને લખનૌ સ્થિત કેજીએમયુના ટ્રોમા સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. જ્યારે યોગી આદિત્યનાથે પણ તે બાળક સાથે મુલાકાત કરી હતી. લખનૌમાં એસએપી દીપકકુમારે જણાવ્યું કે છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિદ્યાર્થિનીએ શાકભાજી કાપવાના ચપ્પુથી વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. સ્થળ પરથી જે વાળ મળ્યા હતા. તે વાળને વિદ્યાર્થિનીના વાળ સાથે ડીએનએ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે લખનૌના ત્રિવેણી નગર વિસ્તારમાં આવેલ બ્રાઈટલેન્ડ સ્કૂલમાં ધોરણ એકના વિદ્યાર્થી પર મંગળવારના રોજ ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાનો આરોપ સ્કૂલની જ વિદ્યાર્થિની પર મુકાયો છે. વિદ્યાર્થીએ સીસીટીવી ફુટેજના આધાર પર આરોપી વિદ્યાર્થિનીની ઓળખ પણ કરી લીધી છે. આ ઘટના બાદ સ્કૂલની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થજયા છે.