(સંવાદદાતા દ્વારા)

વડોદરા, તા.ર૬

‘આર્થિક કટોકટીમાં મકાન બનાવવાનું હોવાથી મારે કુલીનું બક્કલ રૂપિયા એક લાખમાં વેચી દેવું પડ્યું હતું. અત્યારે બક્કલનો ભાવ ૧પ લાખ રૂપિયા છે.’ તેમ આજે અહીં ફાઈન આટ્‌ર્સ કોલેજના ઝાંપા આગળ ચા વેચનાર સલીમભાઈ ચાવાળાએ જણાવ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આટ્‌ર્સ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જેમને સલીમભાઈ ચાવાળાના નામથી ઓળખે છે. એ સલીમભાઈ છેલ્લા ૩૦ વર્ષથી ફાઈન આટ્‌ર્સના ઝાંપે ચાનો પથારો લગાવે છે. સાથે પાન પડીકી અને સીગરેટ પણ વેચે છે. ફાઈન આટ્‌ર્સ કોલેજમાં ચાવાળા તરીકે પ્રખ્યાત છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ તેમની ચા પીવા અચુક આવે છે. સલીમભાઈએ વધુમાં કહ્યું કે, પરિવારમાં તેમને બે પુત્રી અને પત્ની છે. બંને પુત્રીના લગ્ન કરી દીધા છે. અત્યારે હું અને મારી પત્ની બે છીએ. માણેજામાં વુડાના મકાનમાં રહીએ છીએ. કેરોસીનના સ્ટવથી ચા બનાવું છું. બપોર ચારથી રાત્રે નવ વાગ્યા સુધી ચા ચાલુ હોય છે. નવ વાગ્યે બંધ કરૂં છું. આ ધંધા ઉપર મેં મારી બંને પુત્રીઓને પરણાવી હતી. રોજ ૪૦૦થી પ૦૦નો ધંધો થતો હતો. અત્યારે કોરોનાને કારણે ર૦૦થી રપ૦નો ધંધો થાય છે. મારૂં અને મારી પત્નીનું ગુજરાન ચાલે છે. ખર્ચા નીકળે છે એટલે ચિંતા નથી. ૬ર વર્ષીય સલીમભાઈને ફાઈન આટ્‌ર્સ કોલેજના દરેક વિદ્યાર્થી ઓળખે છે કોલેજ ચાલુ હોય ત્યારે સલીમભાઈની ચા પીધા વગર વિદ્યાર્થી જાય નહીં. સલીમભાઈ પણ બધા સાથે હળી મળી ગયા છે. રસ્તેથી પસાર થતાં કોઈ ગરીબ આવે તો તેને મફતમાં ચા પીવા બેસાડે, પાણી પીવડાવે એવા દિલેર ઈન્સાન છે. છેલ્લા ત્રીસ વર્ષથી એક જ જગ્યાએ ચાનો ધંધો કરતા હોવાથી રાજમાર્ગના રાહદારીઓ પણ તેમના ઓળખીતા થઈ ગયા છે. તેમના ઉમદા સ્વભાવને કારણે પોલીસ પણ તેમને હેરાન કરતી નથી.