(એજન્સી) તા.૧૩
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે બુધવારે રૂા.ર૦ લાખ કરોડના આર્થિક પેકેજ અંગે વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાતની મજાક ઉડાવતા તેને હેડલાઈન અને કોરું કાગળ ગણાવ્યું હતું. પી.ચિદમ્બરમે આ પણ કહ્યું હતું કે, તે રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી આ કોરા કાગળને ભરી દે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ અગાઉના આર્થિક પેકેજને સામેલ કરીને મંગળવારે રૂા.ર૦ લાખ કરોડની આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતાં પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, તે સરકારે અર્થતંત્રમાં ઠાલવેલા દરેક વધારાના રૂપિયાની ગણતરી રાખશે અને આ નિરીક્ષણ કરશે કે સેંકડો કિ.મી. ચાલીને ઘરે જનારા ગરીબ અને ભૂખ્યા મજૂરોને છેવટે શું મળ્યું, પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, ગઈકાલે વડાપ્રધાન મોદીએ આપણને હેડલાઈન અને કોરા કાગળ આપ્યા હતા. સ્વાભાવિક છે કે, આ જાહેરાતથી હું અવાક રહી ગયો ! પી.ચિદમ્બરમે અન્ય ટ્‌વીટમાં કહ્યું હતું કે, આજે હવે આપણે જોઈએ નાણામંત્રી આ કોરા કાગળને કેવી રીતે ભરે છે. આપણે સરકારે અર્થતંત્રમાં ઠાલવેલા વધારાના દરેક રૂપિયાનો કાળજીપૂર્વક હિસાબ રાખવો પડશે. પૂર્વ નાણામંત્રીએ આ પણ કહ્યું હતું કે, આપણે આ પણ જોવું પડશે કે કોને શું મળ્યું ? સૌથી પહેલાં તો આપણે એ જોવું પડશે કે સેંકડો કિ.મી. ચાલી તેમના ઘરે જનારા ગરીબ અને ભૂખ્યા મજૂરોને શું મળશે ?