જામનગર, તા.૨૧
કલ્યાણપુરના નગડિયા ગામના એક ખેડૂતે વાવેતર માટે રાખેલી જમીનમાં કરેલી મગફળીની વાવણી ઓછા વરસાદના કારણે નિષ્ફળ જતાં આર્થિક સંકળામણમાં આવી ગયેલા આ ખેડૂતે દવા પી આત્મહત્યા વ્હોરી લીધી છે. ચાલુ વર્ષે દ્વારકા તથા જામનગર જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાનો આંક ચિંતાજનક રીતે વધતો જઈ રહ્યો છે.
કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામમાં રહેતા ખેડૂત મેરામણભાઈ લીલાભાઈ સીડા નામના ખેડૂતે ચાલુ વર્ષે એક ખેતર વાવવા માટે રાખી તેની સાંઈઠ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું.
ચોમાસાની શરૂઆત પહેલા જ મેરામણભાઈએ પૂરી મહેનત કરી વાવણી કર્યા પછી કમનસીબે ચાલુ વર્ષે મેઘરાજાની નહિંવત મહેર થતા તેઓનું વાવેતર નિષ્ફળ ગયું હતું. છેલ્લા વીસેક વર્ષથી જુદા-જુદા ખેતરોને ભાડે રાખી વાવેતર કરતા મેરામણભાઈની આ વર્ષની મહેનત નિષ્ફળ જતાં તેઓ આર્થિક સંકળામણમાં ભીંસાવાની સાથે ભારે હતાશામાં સરી પડ્યા હતા.આ ખેડૂતે ગઈ તા.૯ની સાંજે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજતા શનિવારે મૃતકના ભાઈ કેશુભાઈ લીલાભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાથી દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાનો આંક ચિંતાજનક રીતે વધ્યો છે.