(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
આણંદ જિલ્લાનાં સોજીત્રાના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતાં જવાનનું પઠાણકોટ પાસે માર્ગ અકસ્માતમાં મોત નિપજતા જેના મૃતદેહને આજે સેનાનાં અધિકારીઓ લઈને સોજીત્રા ગામમાં આવી પહોંચ્યા હતા અને સેનાના અધિકારીઓએ તેને સન્માન આપી સાંજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક જ પરિવારનાં બે પુત્રો આર્મીમાં હતાં અને બંનેનાં અકસ્માતમાં મોત નિપજવાની ઘટનાને પગલે પરિવાર ઘેરા આઘાતમાં સરી ગયો છે.
મળતી માહિતી મુજબ સોજીત્રા ગામમાં ટેલીફોન એકક્ષ્ચેન્જ ખાતે રહેતા મુળજીભાઈ તળપદાના દિકરો કમલેશ મુળજીભાઈ તળપદા છેલ્લા દસેક વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવે છે. જુદા જુદા વિસ્તારોમાં ફરજ બજાવ્યાં બાદ હાલમાં તેની પોસ્ટીંગ જમ્મુ કાશ્મીરના પઠાણકોટ વિસ્તારમાં થઈ હતી. આથી ફરજ પર હાજર થવા માટે પોતાના સાથીઓ સાથે કારમાં બેસીને પઠાણકોટ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે કારને ગંભીર અકસ્માત નડયો હતો અને તેમાં કમલેશભાઈને ગંભીર ઈજાઓ થતા તેઓને પઠાણકોટમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દિલ્હીની હોસ્પીટલમાં ખસેડયા હતા જયાં તેઓનું મોત નીપજયું હતું. સ્થાનિક આર્મી હેડ કવાર્ટર પર તમામ વિધી પતાવ્યા બાદ તેના મૃતદેહને પ્લેન દ્વારા અમદાવાદ અને ત્યાંથી આર્મીના વાહનમાં સોજીત્રા લાવવામાં આવ્યો હતો.
ગામમાં મૃતદેહ લઈને આર્મીનું વાહન પ્રવેશતાં જ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. લોકો કમલેશભાઈના પિતા મુળજીભાઈના ઘર પાસે એકત્રીત થઈ ગયાં હતા અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. મુળજીભાઈ તળપદાના પરિવારમાં કમલેશભાઈ ઉપરાંત ટીનાભાઈ મુળજીભાઈ તળપદાનો મોટો દીકરો પણ હતો. તે પણ આર્મીમાં ફરજ બજાવતો હતો. સવાચાર વર્ષ પહેલા રજામાં ટ્રેન મારફતે ઘરે આવતાં રેલ અકસ્માતમાં તેનું મોત નિપજયું હતું. તળપદા પરિવારના બંને દીકરાઓ આર્મીમાં હતા અને તેમનું આકસ્મીક મોત થવાને કારણે પરિવાર આઘાતમાં સરી પડયો છે. આજે ઢળતી બપોરે સોજીત્રા ખાતે કમલેશભાઈને લશ્કરી સન્માન આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે અને સોજીત્રા સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં અને શહિદનો દરજ્જા સમાન સન્માન આપી લોકોએ અંતિમ વિદાઈ આપી હતી.