ભૂજ, તા.૨૨
પશ્ચિમ કચ્છના ભૂજ પાસેથી ઢેલના શિકારથી શરૂ થયેલો હથિયારોની હેરાફેરીનો કેસ હવે રાજ્યવ્યાપી બની ગયો છે. ગુજરાત એટીએસએ ભૂજનો કેસ પોતાના હસ્તક લઈને મુખ્ય સુત્રધાર, આર્મ્સ ડીલર તરુણ ગુપ્તાના ૨૫૦ આર્મ્સ ખરીદદારોની તલાશ વેગવાન બનાવી છે. તરુણી ગપ્તાએ લાઈસન્સદાર અને અન્ય લોકોને વેચેલા હથિયારોનો ડેટા મેળવીને શરૂ કરાયેલી તપાસમાં અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક મોટાં માથાં હવે એટીએસના રડારમાં આવ્યાં છે. એટીએસની ટીમો રવિવારની રજાના દિવસે પણ કાર્યરત થઈ છે અને દોડધામ શરૂ કરી દીધી છે. ગત તા. ૮ જુનની રાતે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ભૂજના નાગોર રોડ પર બ્રેઝા કારમાં ઢેલનો શિકાર કરીને જતાં ભૂજના અકરમ ઉર્ફે શિકારી અજીમ થેબા અને અનવર કાસમ લોહારને પકડી પાડ્યાં હતાં. આ શખ્સો પાસેથી લાઈસન્સ વગરની રાઈફલ અને દેશી બનાવટની બંદૂક મળી હતી. આ હથિયારો અમદાવાદના સેટેલાઈટમાં આવેલા તરુણ ગન હાઉસના સંચાલક તરુણ ગુપ્તા પાસેથી મેળવ્યાં હોવાની કેફીયત બન્ને આરોપીએ આપી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ તરુણ ગુપ્તાને પણ ઝડપી લીધો હતો અને આરોપીઅને તા. ૨૪ સુધી રિમાન્ડ પર મેળવ્યાં હતાં. બોર્ડર રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીએ આ કેસમાં હથિયારોની હેરાફેરીની ગંધ આવતાં ગુજરાત એટીએસને અમદાવાદના આર્મ્સ ડીલર તરુણ ગુપ્તાના કારનામાંની જાણ કરી હતી. એટીએસની ટીમે તપાસ કરી તરુણ ગુપ્તાએ અમદાવાદ જિલ્લાના ગાંગડ ગામે એક જ પરિવારને વેચેલાં ઉપરાંત અમરેલી, વાંકાનેર, ચોટીલા અને જામનગરમાં વેચેલા ૫૪ અગ્નિશસ્ત્રો કબજે કરી કુલ ૯ લોકોને ઝડપી લીધાં હતાં. એટીએસએ રાજ્યવ્યાપી કેસમાં સઘન તપાસ માટે ભૂજ બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો કેસ પોતાના હસ્તક લઈ લીધો છે. તા. ૨૪ સુધી રિમાન્ડ પર રહેલાં તરુણ ગુપ્તાનો કબજો મેળવી ડેટાની ચકાસણી બાદ લગભગ ૨૫૦ જેટલા ખરીદદારોના નામ અલગ તારવી તપાસ તેના પર કેન્દ્રીત કરી છે. ગુજરાતવ્યાપી આ કેસમાં ગુજરાત એટીએસ કેટલા ઊંડાણ સુધી પહોંચે છે તેના પર લોકોની નજર છે.