(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
સીબીઆઇ મામલે સુપ્રીમમાં સુનાવણીના એક દિવસ પહેલા સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું છે કે, આલોક વર્મા સીબીઆઇ ડિરેક્ટર તરીકે કામ કરતા રહેશે અને રાકેશ અસ્થાના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે જળવાઇ રહેશે. જ્યાં સુધી સીવીસી આ મામલે તપાસ કરી રહી છે ત્યાં સુધી એમ નાગેશ્વર રાવ સીબીઆઇના ડિરેક્ટરનું કામ કરશે. સીબીઆઇ પ્રવક્તાએ કહ્યું કે, અમે એ હકીકતથી માહિતગાર છીએ કે, એજન્સીની વિશ્વસનીયતા અને છબિમાં કોઇપણ પ્રકારના ઘટાડાથી મહત્વના કેસોને અસર થશે જેને અમે આંતરરાષ્ટ્રીય સ્તરે લડી રહ્યા છીએ. અમે જે કાંઇ કરી રહ્યા છીએ એ ફક્ત એ વાત નક્કી કરવા કરીએ છીએ કે, સીબીઆઇની છબિને નુકસાન ન પહોંચે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇનું આંતરિક જંગ હવે ખુલીને બહાર આગી ગઇ છે અને મોદી સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રાતોરાત રજા પર ઉતારી દીધા છે. જોકે આલોક વર્મા કેન્દ્રનાઆ પગલાં સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે અને શુક્રવારે તે અંગેની સુનાવણી થશે.