(એજન્સી) તા.ર૯
દિલ્હીથી હજયાત્રાએ જનારા હજયાત્રીઓને આવતા વર્ષે હજ હાઉસની સુવિધા મળી જશે. દિલ્હી સરકારે દ્વારકા સેક્ટર રરમાં હજ હાઉસ માટે જમીન સંપાદિત કરી છે જેની પ્રસ્તાવિત યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં ઓછામાં ઓછું ખર્ચ ૯૩.૪૭ કરોડ રૂપિયા થશે જેના માટે કાર્ય એપ્રિલથી ચાલુ થવાની સંભાવના છે.
એક અહેવાલ પ્રમાણે હજ હાઉસમાં વાતાનુકૂલન સહિત આધુનિક સુવિધાઓ હશે જેમાં પુરૂષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ શયનખંડ, વીઆઈપી ખંડો, પ્રવાસન કાઉન્ટર, નમાઝ માટે હોલ, રસોઈઘર તેમજ ડાઈનિંગ હોલનો સમાવેશ થાય છે. હજ હાઉસમાં એક પુસ્તકાલય પણ હશે જે જ્ઞાનના કેન્દ્ર અને એક સંગ્રહાલય સ્વરૂપે હશે જે ભારતમાં હજયાત્રાનો ઈતિહાસ પ્રદર્શિત કરશે.
અન્ય રાજ્યોની જેમ દિલ્હીની પાસે પોતાનું હજ હાઉસ નથી. દર વર્ષે ૧પ,૦૦૦થી ર૦,૦૦૦ હજયાત્રીઓ દિલ્હીથી જાય છે. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના હજયાત્રીઓ પણ દિલ્હીથી તેમની યાત્રા માટે જાય છે. જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ રાષ્ટ્રીય રાજધાની સાથે જોડાવાનો વિકલ્પ છે.
દિલ્હી રાજ્ય હજ સમિતિના કાર્યકારી અધિકારી અશફાક અહેમદ અરફીએ કહ્યું હતું કે દ્વારકામાં હજ હાઉસ તૈયાર થઈ ગયા પછી તે સમિતિનું કાર્યાલય પણ હશે. એમણે કહ્યું હતું કે દ્વારકાનો હજ હાઉસ લગભગ ૩પ૦ હજયાત્રીઓનો સમાવેશ કરવા સક્ષમ હશે. આ યોજનાની સ્થિતિ વિશે મહેસૂલમંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે આ યોજનાને મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.