જામનગર, તા.૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જ્યારે સત્તા કબજે કરવા રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે જામનગર આવી રહ્યા છે. જો કે તેઓ પક્ષના અપેક્ષિત કાર્યકરોને જ મળનાર છે. અમિત શાહ વિમાન માર્ગે જામનગર આવી પહોંચ્યા પછી તેઓ સીધા જ ઓશવાળ સેન્ટર પહોંચશે અને અઢીથી ચાર વાગ્યા સુધી પક્ષના આગેવાનોને મળશે અને ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરશે. આ પછી બપોરે સાડા બારથી સાડા સાત વાગ્યા સુધી જામનગર શહેર-જિલ્લા અને દ્વારકા શહેર-જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરશે. તેમાં પણ અપેક્ષિત લોકો જ ઉપસ્થિત રહેશે. આ પછી અમિત શાહ જામનગરથી રવાના થઈ જશે. તેમના આગમનના કારણે ભાજપ સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષને આવકારવા બેનરો, કમાનો, ખંભાલિયા માર્ગે લગાડવામાં આવ્યા છે.