(એજન્સી) કોલકાતા, તા. ૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે ગયા મહિને દિલ્હીના મરકઝમાં હાજર રહેલા લોકોમાં તેમના રાજ્યના લોકો વિશેની માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, ઉલ્લેખનીય છે કે, મરકઝની ઘટના પછી સરકારે કોરોના વાયરસ ઝડપથી ફેલાવા બદલ તેને હોટસ્પોટ જારી કર્યો હતો. તબ્લીગી જમાતના કેટલા લોકો તેમના રાજ્યમાં આવ્યા છે તેવા પત્રકાર પરિષદમાં પૂછાયેલા સવાલ સામે મમતા ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે, ‘‘આવા કોમવાદી પ્રશ્નો ના પૂછો’’. મમતા બેનરજીના સત્તાવાર ફેસબૂક પેજ પર બંગાળના સચિવાલય ખાતે પત્રકાર પરિષદની લિંક અપાઇ હતી પરંતુ દિલ્હી મરકઝ અંગેના સવાલો અને જવાબ કાઢી નખાયા હતા.ભાજપના વિપક્ષી નેતાઓએ તબ્લીગી જમાતના મુદ્દે મમતા બેનરજી વિરૂદ્ધ લઘુમતીઓની ખુશામતનો આરોપ લગાવ્યો હતો.
ગયા અઠવાડિયે મમતા બેનરજીએ કેટલીક માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રે માહિતી આપી છે કે, દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં પશ્ચિમ બંગાળથી રાજ્યના ૭૧ લોકો ગયા હતા. તેમણે કહ્યું કે, સરકાર આમાંથી ૫૪ને શોધી શકી છે. આમાંથી ૪૦ વિદેશી છે જેઓ મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મ્યાનમારના છે અને તેઓને બધાને કોલકાતામાં ક્વોરન્ટાઇન કરાયા છે. તેમણે કહ્યું કે આશા છે કે, અન્ય લોકોને પણ સત્તાવાળા વહેલી તકે સંપર્ક કરશે. દરમિયાન એવા પણ અહેવાલો છે કે, બંગાળમાં યોજાયેલા એક ધાર્મિક સંમેલનમાં ૩૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા તેમને શોધીને કોલકાતાના ન્યૂટાઉનમાં ક્વોરન્ટાઇન કરાયા છે. આમાંથી ૧૦૯ વિદેશી છે અને ૧૯૫ પશ્ચિમ બંગાળના છે. જોકે, રાજ્ય દ્વારા આની કોઇ વિગતો અપાઇ નથી.