પાટણ, તા.૯
ગુજરાતમાં ચાર ટર્મ સુધી મુખ્ય પ્રધાન પદ શોભાવનાર અને મધ્યાહન ભોજન યોજના જેવી સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકીને કરોડો બાળકોને ભોજનની સાથે શિક્ષણ માટે પ્રેરણા જગાડનાર એવા કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રખર રાજકારણી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નીધન થતા સમગ્ર ગુજરાતે દુઃખ અને આઘાતની લાગણી અનુભવી છે ત્યારે માધવસિંહ સોલંકી સાથે વર્ષો સુધી ઘર જેવો નાતો ધરાવતા પાટણના પીઢ ગાંધીવાદી કાર્યકર સેવંતીલાલ કલાભાઈ સોલંકીએ માધવસિંહના નિધનથી ભારે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
આંખોમાં આંસુ સાથે ગળગળા થઈને ૯ર વર્ષના સેવંતીભાઈ સોલંકીએ ૯૪ વર્ષે મૃત્યુ પામેલ માધવસિંહ સોલંકીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આ ઉંમરે પણ શંખનાદ કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના ઈતિહાસમાં માધવસિંહ સોલંકી જેવા સામાન્ય માણસ ગણાતા રાજનેતા મળવા મુશ્કેલ છે. ગુજરાતમાં ચાર-ચાર વખત મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતનું સુકાન સંભાળીને માધવસિંહે છેવાડાના માનવીની કાયમ ચિંતા કરીને સમાજના ગરીબ પછાત દલિત અને છેવાડાના ખોરડે રહેતા માનવીના વિકાસ માટે સતત કાર્ય કર્યું હતું. માધવસિંહ સોલંકી સાથેના સ્મરણો તાજા કરતા સેવંતીલાલ સોલંકીએ જણાવ્યું કે, માધવસિંહ ભારત સરકારના વિદેશ પ્રધાન અને આયોજન પ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી.
સેવંતીભાઈએ જણાવ્યું છે શુક્રવારે સાંજે માધવસિંહ સોલંકીનો મારા ઉપર ફોન આવ્યો હતો અને અમારા એક પરિચિત ડોક્ટરને યાદ કરીને તેમના સાથે વાત કરવા જણાવતા ડોક્ટર સાથે તેમની વાતચીત થઈ જતા વળતો ફોન કરીને માધવસિંહે મને આભારની લાગણી વ્યક્ત કરી હતી એટલું જ નહીં મેં તેમના ખબર-અંતર પૂછતા તેમની તબિયત સારી હોવાનું તેમણે જણાવ્યું હતું પરંતુ કમનસીબે બીજા દિવસે જ તેમનું અવસાન થયાના સમાચાર જાણવા મળતા ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવું છું. આવા મહાન રાજનીતિજ્ઞની સમગ્ર ગુજરાત અને ગુજરાતની ગરીબ પ્રજાને કાયમી ખોટ સાલશે એમ તેમણે માધવસિંહ સોલંકીને શ્રદ્ધાસુમન વ્યક્ત કરતા જણાવ્યું હતું.
Recent Comments