પાટણ, તા.ર૭
૫ાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તા.ર૮/ર/ર૦ર૦ને શુક્રવારે યુનિવર્સિટી પોતાના ખર્ચે “આવિષ્કાર”ના નામે સાયન્સ ફેર નામનો કાર્યક્રમ કરી રહી છે. પરંતુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જેે.જે.વોરાએ આ કાર્યક્રમમાં માતૃસંસ્થા એબીવીપીનો પ્રચાર-પ્રસાર કરવાનો કારસો ઘડતાં વિદ્યાર્થીઓમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને યુનિવર્સિટીના ખર્ચે એબીવીપીનો પ્રચાર કરવાની આ નીતિને શિક્ષણવિદો પણ વખોડી રહ્યા છે. ત્યારે કાર્યક્રમના બહાને એબીવીપીના કરાતા આ પ્રચારના વિરોધમાં આજે એન.એસ.યુ.આઈ.ની. આગેવાનીમાં વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા જતાં શાબ્દિક ચકમક ઝરતાં મામલો ગરમાયો હતો.
વિદ્યાર્થીઓએ કુલપતિ ડૉ.જે.જે.વોરાને રજૂઆત કરી જણાવ્યું હતું કે, માતૃસંસ્થા એબીવીપી સાથે ગઠબંધન કરી યુનિવર્સિટીના તમામ ખર્ચે એબીવીપીના પ્રચારકની ભૂમિકા ભજવી “આવિષ્કાર” નામના રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરનું આયોજન કર્યું છે જે તદ્દન અયોગ્ય છે. આજદિન સુધી ક્યારેય આવું બન્યું નથી. મનસ્વી વલણ અપનાવી યુનિવર્સિટીને રાજકારણનો અડ્ડો બનાવવામાં આવી રહ્યો છે. સરકારે યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક કરી છે. એબીવીપીના પ્રચારક તરીકે નહીં ? તેમ કહી જવાબ માંગતા કુલપતિ ડૉ.જે.જે.વોરાએ હાલ હું જવાબ આપવાના મૂડમાં નથી તેમ કહેતા મામલો ગરમાયો હતો અને કાર્યક્રમ યોજાશે તો એબીવીપીનો ખેસ પહેરવાની ચીમકી આપી હતી.
વિદ્યાર્થીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, ઉ.ગુ.યુનિ.નું નામ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ. છે. જે મહાન જૈન મુનિના નામ પરથી નામકરણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમના નામને લાંછન લગાવી શિક્ષણના ધામમાં રાજકારણ રમવામાં આવી રહ્યું છે. શું આ યોગ્ય છે ? વિદ્યાર્થી અને વાલીઓના પૈસાનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કરવો કેટલા અંશે યોગ્ય છે ?