તા.૯
ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીએ તેના ઉપર પત્ની હસીન જહાં દ્વારા લગાવાયેલા મેચ ફિક્સિંગના આરોપોને ફગાવી દેતા કહ્યું કે દેશ માટે આવું કંઈ કરવાના બદલે હું મરવાનું પસંદ કરીશ. હસીને એ પણ આરોપ લગાવ્યો કે શમી અને તેના પરિવારે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હસીને પોતાન ફેસબુક એકાઉન્ટ પર અમુક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા હતા. જેમાં શમીના વોટ્‌સએપ અને ફેસબુક મેસેન્જર દ્વારા અનેક મહિલાઓ સાથે કથિત વાતચીતની વિગત હતી. આ આરોપો બાદ પત્રકારો સાથે વાત કરતા મો.શમી ભાવુક થઈ ગયો. તેણે કહ્યું કે જ્યાં સુધી દેશ માટે રમતા પોતાના પ્રદર્શન સાથે સમજૂતીની વાત છે તો હું આવું કંઈ કરવાને બદલે મરવાનું પસંદ કરીશ. શમીએ કહ્યું કે હસીન અને તેના પરિવારજનો કહી રહ્યા છે કે આપણે બેસીને આ બધા મુદ્દે વાત કરીશું પણ હું નથી જાણતો કે તેને ઉશ્કેરી રહ્યું છે. પત્ની દ્વારા લગાવાયેલા આરોપો બાદ શમીને તે સમયે ભારે માર પડ્યો જ્યારે બીસીસીઆઈએ પોતાની વાર્ષિક કોન્ટ્રાક્ટ સિસ્ટમમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો. ગત વર્ષ શમી બી ગ્રેડમાં હતો. શમી માટે રાહતની વાત એ છે કે જો તે આ પુરા મામલામાં નિર્દોષ સાબિત થશે તો તેને કોન્ટ્રાક્ટમાં સામેલ કરી લેવામાં આવશે.