(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા(એસઆઇઆઇ)એ ભારતમાં કોરોના વેક્સિનને લઇને પોતાની ટ્રાયલ અટકાવી દીધી છે. સીરમે ગુરૂવારે ઔપચારિક નિવેદન આપીને જણાવ્યું હતું કે, અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને જ્યાં સુધી એસ્ટ્રાજેનેકા ફરીથી ટ્રાયલ શરૂ નહીં કરે ત્યાં સુધી ભારતમાં થઇ રહેલી ટ્રાયલને રોકી રહ્યા છીએ. અમે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ અને નજીકના ભવિષ્યમાં કોઇ ટિપ્પણી કરવા માગતા નથી. વધારે વિગતો માટે તમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, બુધવારે ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા(ડીજીસીઆઇ)એ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને પૂછ્યું હતું કે, તમારી ટ્રાયલ કેમ રોકી દેવામાં ન આવે ? બીજી તરફ ડીજીસીઆઇએ નોટિસમાં કહ્યું છે કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટે વેક્સિનની સામે આવેલી ગંભીર પ્રતિકૂળ અસરો વિશે પોતાના તારણો પણ તેને સોંપ્યા નથી.
કારણદર્શક નોટિસ જારી કરતા ડીજીસીઆઇએ કહ્યું કે, સીરમ ઇન્સ્ટીટ્યૂટે વેક્સિનની ટ્રાયલને લઇને નવા અપડેટ તેને સોંપ્યા નથી. ડીજીસીઆઇના ડૉ વીસી સોમાણીએ નોટિસમાં તાત્કાલિક જવાબ આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, જો કંપની જવાબ નહીં આપે તો એવું માની લેવામાં આવશે કે, તેની પાસે ખુલાસામાં કહેવા માટે કાંઇ નથી અને પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે, એસ્ટ્રાજેનેકાના કોરોના વાયરસથી બચવા માટેના વિકસિત કરાઇ રહેલી વેક્સિનનું ભારતમાં પરિક્ષણ ચાલુ છે અને તેમાં કોઇ સમસ્યા આવી રહી નથી. સીરમનું આ નિવેદનએવા સમયે આવ્યું હતું જ્યારે બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાનું પરિક્ષણ રોકી દેવામાં આવ્યું હતું. તેણે બ્રિટનમાં પરિક્ષણ દરમિયાન આ વેક્સિન લેનાર એક વ્યક્તિ બીમાર પડ્યા બાદ પરિક્ષણને રોકવાના પગલાં ભરાયા હતા. કંપનીએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલા પરિક્ષણની વાત છે તો તે ચાલુ છે અને તેમાં અત્યારસુધી કોઇ સમસ્યા આવી નથી. સીરમ ઇન્સ્ટીટ્યૂટની એસ્ટ્રાજેનેકાની સાથે કોરોના વાયરસની એક અબજ રસીના ઉત્પાદન માટે ભાગીદારીનો સોદો થયો છે. આ રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરાઇ રહી છે. ભારતીય કંપની એસ્ટ્રાજેનેકાના સંભવિત રસીનું ભારતમાં પરિક્ષણ કરી રહી છે. ભારતના દવા મહાનિયંત્રકે પાછલા મહિને જ પૂણે ખાતેની આ કંપનીને આ રસીનું ભારતમાં બીજા તથા ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરવા માટે મંજૂરી આપી હતી. સીરમ ઇન્સ્ટીટ્યૂટે કહ્યું છે કે, એક વ્યક્તિને અજાણી બીમારી લાગુ થયા બાદ કંપનીએ તેની દવા પરિક્ષણની માપદંડની સમીક્ષાને જોતાં આગળનું પરિક્ષણ સ્થગિત કરી દીધું છે. આનાથી સંશોધનકારોને પરિક્ષણની સત્યતા જાળવી રાખવાની સાથે જ દવાના સુરક્ષિત હોવાના આંકડાને જાણવાની પણ તક મળશે.