(એજન્સી) તા.૨૭
નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ ભાષણ આપનારા ડૉ. કફીલ ખાન નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. તેઓ સીએએ વિરોધી દેખાવોમાં સામેલ થયા હતા અને મંચ પર એક ભાષણ આપ્યું હતું.
આ દરમિયાન તેઓએ જેલના સળીયા પાછળથી જ એક હૃદયને હચમચાવી મૂકે તેવો પત્ર લખ્યો હતો. હાલમાં તેઓ છેલ્લે જાન્યુઆરીથી મથુરાની જેલમાં કેદ છે. તમને જણાવી દઈએ કે જ્યારે તેમને કોર્ટે જામીન આપી દીધા હતા ત્યારે તેઓ મુક્ત ન થાય તે માટે ભાજપ સરકારે તેમની વિરુદ્ધ નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવી દીધો હતો. તેના બાદથી જ તેમની ધરપકડની સજામાં ૩ મહિનાનો વધારો થઈ ગયો હતો. તેમની સામે કોઈ આરોપો પણ નક્કી નથી છતાં તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. હાલમાં તેમને નવેમ્બર મહિના સુધી જેલમાં ગોંધી રાખવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
જોકે પોતાના હસ્તે લખેલા પત્રમાં ડૉ. કફીલ ખાન કહે છે કે સરકાર કહે છે કે જો હું જેલમાંથી મુક્ત થઇશ તો કાયદો વ્યવસ્થાનું સંકટ પેદા થઇ શકે છે. હું કેમ કાયદો વ્યવસ્થા ખોરવીશ? શું હું ક્રિમિનલ છું? જો મને મુક્ત કરવામાં આવશે તો હું સૌથી પહેલાં બિહારની મુલાકાતે જઈશ,આસામ અને કેરળ જઈશ. કેમ કે ત્યાંના લોકોએ પૂર અને કોરોના મહામારી બંને સંકટનો સામનો કરી રહ્યાં છે. હું ડૉક્ટર તરીકે ત્યાં ફરજ બજાવીશ. બીઆરડી કોલેજની ઘટનાને પણ ૩ વર્ષ થઈ ગયા છે અને ત્યારથી મને અવારનવાર જેલમાં ગોંધી રાખવામાં આવ્યો છે. મને મારા બાળકોથી દૂર કરી દીધો હતો. અહીં ફક્ત શાંત દિવાલો જ છે. મારું હૃદય હજુ મારી માને યાદ કરે છે, મારા બાળકો અને મારી પત્નીને મિસ કરે છે. હું સારી રીતે ખાઈ શકતો નથી. મને તો રડવું પણ આવતું નથી. હું મારી દીકરીના આવનારા જન્મદિવસ પર તેને મળવાની ઈચ્છા રાખું છું.