મુંબઇ,તા.૧૯
એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે સુશાંત સિંઘ રાજપૂતના કેસમાં સીબીઆઇ દ્વારા તપાસ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને હું આવકારું છું. મને આશા છે કે સુશાંતના કેસમાં નરેન્દ્ર દાભોલકર હત્યા કેસ જેવું નહીં થાય. દાભોલકરની હત્યાની તપાસ પણ સીબીઆઇ કરી રહી હતી પરંતુ હજુ સુધી કેસનો કોઇ નિવેડો આવ્યો નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સુશાંત કેસમાં સીબીઆઇને તપાસ સોંપી એ ચુકાદાને માન આપીને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર સીબીઆઇને પૂરતો સહકાર આપશે. તેમણે તરત ઉમેર્યું હતું કે મને એમ લાગે છે કે ડૉક્ટર નરેન્દ્ર દાભોલકર હત્યા કેસની જેમ સુશાંત કેસની તપાસ આગળ નહીં વધે. છેક ૨૦૧૪માં સીબીઆઇએ દાભોલકર હત્યા કેસની તપાસ શરૂ કરી હતી. હજુ સુધી એનો નિવેડો આવ્યો નથી. દાભોલકરની હત્યા કોણે શા માટે ક્યાં કેવી રીતે કરી એની વિગતો સીબીઆઇ હજુ પણ શોધી શકી નથી અને દાભોલકરની હત્યાના કેસનું હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી. સુશાંતના કેસમાં એવું નહીં થાય એવી હું આશા રાખું છું.