અરજદાર આસિફે તેના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલના માધ્યમથી જસ્ટિસ બાખરૂં સમક્ષ દાખલ
અરજીમાં કહ્યું હતું કે આ પ્રકારની જાણકારી લીક કરવી નિષ્પક્ષ સુનાવણી માટે હાનિકારક છે કેમ કે તેનાથી ન્યાયાધીશ અને પ્રજાના મગજ પર અસર થાય છે જે નિષ્પક્ષ સુનાવણી માટે યોગ્ય નથી

(એજન્સી) તા.૨૮
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણો મામલાની તપાસ સંબંધિત સંવેદનશીલ અને ગુપ્ત માહિતીને મીડિયા સમક્ષ લીક કરવા માટે દિલ્હી પોલીસને ફટકાર લગાવતાં નોટિસ ફટકારી હતી. જામિયા મિલ્લિયાના એક વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હાની અરજી પર કોર્ટે દિલ્હી પોલીસને આ નોટિસ ઈશ્યૂ કરી છે.
નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેખાવો દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા મામલે આફિસની ધરપકડ કરી હતી. આસિફે હાઈકોર્ટમાં દાખલ પોતાની અરજીમાં દિલ્હી પોલીસ દ્વારા કથિતરૂપે તપાસ સંબંધિત સંવેદનશીલ માહિતી અનેક મીડિયા સંગઠનો સમક્ષ લીક કરવા મામલે તપાસનો આદેશ આપવાની માગ કરી હતી. જસ્ટિસ વિભૂ બાખરુએ દિલ્હી પોલીસ અને બે મીડિયા સંગઠનોની સાથે સાથે અન્ય સહિત પક્ષકારોને પણ નોટિસ આપી જવાબ રજૂ કરવા કહ્યું છે. અરજીમાં દિલ્હી પોલીસના અધિકારીઓ દ્વારા લીક કરાયેલી સંવેદનશીલ, ગુપ્ત માહિતીઓને પણ ડિલીટ કરવા સંબંધિત માગ કરાઈ હતી. જેના પર જવાબ આપવા કહેવાયું છે.
દિલ્હી હાઈકોર્ટે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં પોલીસને નોટિસનો જવાબ આપવા કહ્યું છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ મુજબ ચાલુ મહિનાની શરૂઆતમાં દિલ્હી પોલીસ સમક્ષ આફિસના નિવેદનના મીડિયા રિપોર્ટ સામે આવ્યા હતા. આ રિપોર્ટમાં કહેવાયું હતું કે આસિફે સ્વીકાર્યુ હતું કે આ રમખાણ પૂર્વાયોજિત કાવતરું હતા અને જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદે આસિફને જામિયા સમન્વય સમિતિના અન્ય સભ્યો સાથે મળીને ચક્કાજામ કરવા કહ્યું હતું. અરજદાર વિદ્યાર્થીએ કહ્યું હતું કે દિલ્હી પોલીસે આ માહિતી મીડિયામાં લીક કરી છે અને આ માહિતીને ઓપ ઈન્ડિયા, ઝી મીડિયા, ફેસબૂક અને યુટ્યુબ જેવા મીડિયા પ્લેટફોર્મ પર લીક કરનારા અધિકારીઓના કદાચારની તપાસ કરવામાં આવે. અરજદાર આસિફે તેના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલના માધ્યમથી જસ્ટિસ બાખરૂં સમક્ષ દાખલ અરજીમાં કહ્યું હતું કે આ પ્રકારની જાણકારી લીક કરવી નિષ્પક્ષ સુનાવણી માટે હાનિકારક છે કેમ કે તેનાથી ન્યાયાધીશ અને પ્રજાના મગજ પર અસર થાય છે જે નિષ્પક્ષ સુનાવણી માટે યોગ્ય નથી.