(એજન્સી) કોલકાતા, તા.ર
તાજેતરમાં આસનસોલના સિંઘલા ડંગલમાં અપ્રિય ઘટનાઓ બની હોવા છતાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ સ્થાનિક પાડોશીઓ હિન્દુઓની દુકાનો અને ઘરોનું રક્ષણ કરવા એક સમૂહ બનાવ્યો છે. સિંઘલા ડંગલના મુસ્લિમ પાડોશીઓએ મદદનો હાથ લંબાવી કોમી સુસંવાદિતા સાધી છે અને ત્યાં રહેતા કેટલાક હિન્દુ પરિવારોને નુકસાન નહીં પહોંચે તેવી બાંહેધરી આપી છે. સિંઘલાના મુસ્લિમ રહીશોએ હિન્દુ પરિવારોને જણાવ્યું છે કે તેમણે કશું ગુમાવ્યું નથી. કોમી હિંસા બાદ ઘરબાર છોડી ગયેલા હિન્દુ પરિવારોના ઘર અને દુકાનોની રક્ષા કરવા મુસ્લિમ સમુદાયે એક સમૂહ બનાવ્યો છે. નૂરાની મસ્જિદના મૌલાના ઈમ્દાદુલ રશિદીએ રામનવમીની ઉજવણીના એક દિવસ બાદ શરૂ થયેલ હિંસામાં પોતાના ૧૬ વર્ષીય પુત્રને ગુમાવી દીધો હતો. ઈમામના નાના પુત્રને કથિત રીતે મારી નાંખવામાં આવ્યો જેની લાશ બુધવારે રાત્રે મળી હતી પરંતુ રશિદીએ શાંતિ જાળવવા આગ્રહ કર્યો હતો. સ્થાનિક વસીમ રઝાએ જણાવ્યું કે ઈમામ સાહેબે ભારે નુકસાન વેઠીને પણ ધૈર્ય રાખ્યું આથી અમે કાનૂન હાથમાં લીધો નહીં અને એમની વાતનું પાલન કરતાં અહીંના હિન્દુ પરિવારોને સુરક્ષિતતાની ખાતરી આપી હતી. એમણે જણાવ્યું કે સ્થાનિક હિન્દુઓને સ્થળાંતર નહીં કરવા અને તેમની રક્ષાની જવાબદારી પણ સ્વીકારી. આ વિસ્તારમાં એકમાત્ર મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી જેથી સમાજમાં કોઈ ખોટો સંદેશ ફેલાય નહીં. આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે માટે વહીવટીને અનુરોધ કરવા માંગીએ છીએ.