(એજન્સી) ગુવાહાટી, તા.૯
આસામના ગુવાહાટીમાં એક રહેણાંક વિસ્તારમાં ફસાઈ ગયેલાં ચિત્તાને કેટલાક લોકોએ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકો ચિત્તાના શબની સાથે ટ્રોફીની જેમ પરેડ યોજી રહ્યાં છે અને ઉજવણી કરી રહ્યાં છે. આ દરમિયાન લોકોએ ક્રૂરતાની તમામ હદો પાર કરતાં ચિત્તાના શબ પરથી તેના ચામડાંને ઉખાડી નાખ્યું અને તેના દાંત પણ ખેંચી લીધાં.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહેલાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ અન્ય લોકોની શોધખોળ કરવા માટેનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર, જો વન વિભાગ યોગ્ય સમયે કાર્યવાહી કરી લેત, તો કદાચ આ ઘટનાને ટાળી શકાઈ હોત. બીજી તરફ, વન વિભાગે પણ સ્વીકાર્યુ છે કે, તેમને રવિવારે સવારે ૫ વાગ્યાની આસપાસ એક ફસાઈ ગયેલા ચિત્તા વિશે સૂચના મળી હતી, પરંતુ તેઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ, ચિત્તો ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ કેટલાક સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને મારી નાખ્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના એક અનામત વન વિસ્તારમાં ઘટી છે.