(એજન્સી) તા.૫
આસામમાં સરકારે નાગરિકત્વ વિહોણા લોકોનો મતાધિકાર પાછો ખેંચી લેતાં હવે ડી-મતદારો એટલે કે ડાઉટફુલ વોટર્સ પ્રત્યે ગાળિયો વધુ મજબૂત બનાવાતા સમર્થબાનુએ જણાવ્યું હતું કે મને રડવું આવે છે. હું હવે તંગદિલીથી ઉબ આવી ગઇ છું. મને ખરેખર બીક લાગે છે. સમર્થાબાનુએ નાગરિકત્વ પુરવાર કરવાના પોતાના સંઘર્ષને વર્ણવતા જણાવ્યું હતું. આસામ એનઆરસીના અપડેશનની કાર્યવાહી કરનાર પ્રથમ રાજ્ય છે કે જેમાં લાખો વિસ્થાપિત બની ગયાં છે કારણ કે એનઆરસીની યાદીમાંથી તેમના નામની બાદબાકી કરવામાં આવી છે. અધૂરામાં પૂરું પ્રચંડ પૂર અને કોવિડ-૧૯ના વધતાં જતાં કેસોના કહેર વચ્ચે ફોરેનર્સ ટ્રીબ્યુનલે ૨૦૨૯ની એનઆરસી યાદીમાંથી જેમના નામ નથી તેમની યાતનામાં ઉમેરો કર્યો છે. ધ ક્વિન્ટ દ્વારા આ શંકાસ્પદ મતદારોને મળવા માટે બાક્સાની મુલાકાત લીધી હતી. આ શંકાસ્પદ મતદારોએ હવે એવું પુરવાર કરવું પડશે કે તેઓ ગેરકાયદે ઇમિગ્રન્ટ નથી. પોતાના ભાવિ અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહેલા ૫૯ વર્ષના બાનુએ જણાવ્યું હતું કે એનઆરસીની યાદીમાં તેમના પતિ અને પુત્રીઓના નામોનો ઉલ્લેખ કરાયો છે પરંતુ બાનુ અને તેમના પુત્રોનો કોઇ ઉલ્લેખ થયો નથી. સમર્થબાનુએ જણાવ્યું હતું કે ૧૯૮૯માં મેં બે વખત મતદાન કર્યુ હતું અને જ્યારે પણ હું મતદાન કરવા ગઇ ત્યારે મને જાણવા મળ્યું કે યાદીમાં મારૂં નામ જ નથી. અન્ય એક રોષે ભરાયેલ મહિલા ફિરોઝા બેગમે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે મારા પુત્રને કામ મળતું નથી. અમારી પાસે આવકનું કોઇ સાધન નથી. નોટિસ આવી ત્યારે મેં બે દિવસ સુધી ખાધું ન હતું. અમે બધા તણાવમાં હતાં. આ બધી નોટિસ જૂનની શરૂઆતમાં ઇસ્યૂ કરવામાં આવી હતી, પરંતુ લોકોને ઓગસ્ટના આરંભે હાજર થવા માટે છેક જુલાઇના અંતમાં જાણ થઇ હતી. બારપેટામાં ફોરેનર્સ ટ્રીબ્યુનલ તરફથી એક અન્ય સ્થાનિક નાગરિક કાશીમ અલીને નોટિસ મળી હતી. પરંતુ તેને સમગ્ર નાગરિકતા પુરવાર કરવા માટે રૂા.૬૦૦૦૦થી ૭૦૦૦૦નો ખર્ચ થયો છે. દરમિયાન હુસેને એવો દાવો કર્યો છે કે સરકાર પાસે તમામ લોકોના દસ્તાવેજો છે. તેમ છતાં તેમને નોટિસ બજાવવામાં આવી છે. હુસેને ઉમેર્યુ હતું કે મે જે કેસ તૈયાર કર્યા છે તેમાં બધા દસ્તાવેજો છે. તેમણે કોઇ પણ જાતની તપાસ વગર શંકા કરી છે. કોણે તપાસ કરી હતી અને ક્યારે તપાસ કરવામાં આવી હતી તે અંગે સરકાર પાસે કોઇ માહિતી નથી એવું હુસેને ઉમેર્યુ હતું.