(એજન્સી) દિસપુર, તા.૨૩
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું સોમવારે નિધન થઈ ગયું છે. તેઓ ૮૪ વર્ષના હતા. તેઓને ઓગસ્ટમાં કોરોના થયો હતો. તેઓ એક વખત સ્વસ્થ પણ થઈ ગયા હતા, પરંતુ પોસ્ટ કોવિડ કોમ્પિલકેશન્સનો સામનો કરી રહ્યાં હતા. ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ સાંજે ૫ વાગ્યે અને ૩૪ મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેઓ ત્રણ વખત આસામના મુખ્યમંત્રી રહ્યાં છે.વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગોગોઈનું રવિવારે ૬ કલાક સુધી ડાયલિસિસ કરવામાં આવ્યું, પરંતુ શરીરમાં ફરીથી ટોક્સિન જમા થઈ ગયું. જે બાદ તેમનું શરીર આ સ્થિતિમાં ન હતું કે બીજી વખત ડાયાલિસિસ કરવામાં આવે. ગોગોઈ ૨ નવેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા.શનિવારે તેમની સ્થિતિ બગડતાં તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડ્યા હતા.૨૫ ઓગસ્ટના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની જાણ થતાં તેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાને પગલે અન્ય જટિલ સ્થિતિ સર્જાવાને લીધે છેલ્લા ૨ મહિનાથી હોસ્પિટલમાં રહ્યા બાદ ૨૫ ઓક્ટોબરના રોજ રજા આપવામાં આવી હતી. સોનોવાલે ટ્‌વીટ કરી માહિતી આપી છે. સોનોવાલે કહ્યું છે કે ગોગોઈ તેમના પિતા સમાન છે.