(એજન્સી) ગુવાહાટી,તા.૧૧
ગુવાહાટી હાઈકોર્ટમાં પ્રેકિટસ કરતા એડવોકેટ અમન વદુદની ર૦ર૧-રર ફુલબ્રાઈટ-નહેરૂ માસ્ટર્સ ફલોશીપ માટે પસંદગી કરવામાં આવી છે. તે આવતા વર્ષે અમેરિકાની આઈવી લીગ લો સ્કૂલમાં એલએલએમનો અભ્યાસ કરશે. અમન ઉત્તર-પૂર્વનો પ્રથમ નવયુવાન છે જેમને અમેરિકામાં કાયદાના પ્રોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસ માટે આ ફેલોશીપ મળી છે. પોતાને એક માનવાધિકાર વકીલ તરીકે ઓળખાવવાનું પસંદ કરતા અમન સામાન્ય રીતે એવા લોકોના કેસ લડે છે જેમના પર આસામમાં ગેરકાયદેસર વસવાટનો આક્ષેપ કરવામાં આવે છે અને જેમને અટકાયતી કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. અમને અત્યાર સુધીમાં અનેક અટકાયતીઓને મુકત કરાવ્યા છે. લોકોને એનઆરસી અંગે વાકેફ કરવા અમને આસામના જુદા જુદા જિલ્લાઓનો પ્રવાસ પણ ખેડયો હતો. તે ફોરેનર્સ ટ્રિબ્યુનલ સમક્ષ વકીલાત કરતા વકીલો માટે ટ્રેનિંગ કાર્યક્રમો પણ યોજે છે. અમન તાજેતરમાં શરૂ કરવામાં આવેલી જસ્ટિસ એન્ડ લિબર્ટી ઈનિશએટિવના સહસંસ્થાપક પણ છે. આ સંસ્થા એવા વંચિત લોકોને કાયદાકીય મદદ પૂરી પાડે છે. જેમની નાગરિકતા સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. અમન દેશના જુદા જુદા ભાગોમાં મનસ્વી રીતે નાગરિકતાવિહોણા બનાવી દેવાની કાર્યવાહી સામે અભિયાન ચલાવી રહ્યા છે. અમનને મેલબોર્ન લો સ્કૂલ ખાતે આવેલા પીટર મેકમુલીન સેન્ટર ઓન સ્ટેટલેસનેસમાં નાગરિકતાથી વંચિત રાખવામાં આવેલા લોકો અંગે અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ પણ મળી હતી. આ પહેલા તેમને હાર્વર્ડ લો સ્કૂલ, મસાચુસેટસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, યેલ લો સ્કૂલ અને કોલંબિયા લો સ્કૂલે નાગરિકતા અને રાષ્ટ્રીયતા હીનના અંગે પ્રવચન આપવા માટે આમંત્રણ આપ્યું હતું. માર્ચ ર૦ર૦માં વોશિંગ્ટનના કેપિટોલ હિલ ખાતે યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલિજીયસ ફ્રીડમ સમક્ષ નાગરિકતા કાયદાઓ અંગે ચાલી રહેલી સુનાવણી દરમ્યાન અમને તેમનો અભિપ્રાય વ્યકત કર્યો હતો. નોંધનીય છે કે ફુલબ્રાઈટ ફેલોશીપ એટલી હદે પ્રતિષ્ઠિત છે કે ૬૯ ફુલબ્રાઈટ સ્કોલર્સ પાછળથી નોબેલ પ્રાઈઝ મેળવી ચૂકયા છે અને પાંચ જેટલા સ્કોલર્સે તેમના રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું છે.
Recent Comments