(એજન્સી) દિસપૂર, તા.૨
આસામમાં મંગળવારનાં રોજ ભૂસ્ખલનમાં લગભગ ૨૧ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. મૃતક મુખ્ય રૂપથી દક્ષિણી આસામનાં બરાક ઘાટી ક્ષેત્રનાં ત્રણ અલગ-અલગ જિલ્લાઓ સાથે સંબંધ રાખે છે. આ ઘટનામાં કેટલાંક અન્ય લોકો પણ ઘાયલ થયાં છે. જો કે બચાવ દળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું છે. મૃતકોમાંથી સાત કછાર જિલ્લા, સાત હૈલાકાંડી જિલ્લા અને છ કરીમગંજ જિલ્લામાંથી છે. આ ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય પહેલેથી જ મોટા પાયે પૂર સામે ઝઝૂમી રહ્યાં છે. જેનાંથી લગભગ ૩.૭૨ લાખ લોકો પ્રભાવિત થયાં છે. હૈલાકાંડી જિલ્લામાં બે ભૂસ્ખલનની દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે. આસામનાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે જિલ્લા પ્રશાસનને ઘાયલ વ્યક્તિઓની મદદ માટે આવશ્યક પગલાં લેવાં અને મૃતક વ્યક્તિઓનાં પરિવારજનોને વળતરની રકમ આપવાનો પણ નિર્દેશ કર્યો છે.
ગોલપારા જિલ્લો સૌથી વધારે પ્રભાવિત છે. ત્યાર બાદ નાગાંવ અને હોજાઇ જિલ્લા પ્રભાવિત છે. પૂરમાં છ લોકોનાં મોત પણ નિપજ્યાં છે અને ૩૪૮ ગામડાંઓ પાણીની અંદર ડૂબી ગયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું કહેવું એમ છે કે લગભગ ૨૭,૦૦૦ હેક્ટરમાં પાક ખરાબ થઇ ચૂક્યાં છે.
કરીમગંજ જિલ્લાનાં કાલીગંજ વિસ્તારમાં મંગળવારનાં રોજ જોરદાર ભૂસ્ખલન થયું. આ વિસ્તાર બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલો છે. અહીં ૬ લોકો પહાડીનાં કાટમાળ નીચે દટાઇ ગયાં. આ ૬ લોકોમાંથી ૫ મૃતક એક જ પરિવારનાં હતાં. ઘટનાનાં સમયે તેઓ પોતાનાં ઘરમાં સૂઇ રહ્યાં હતાં ત્યારે ઘર સહિત તમામ લોકો જીવતા દફન થઇ ગયાં.