(એજન્સી) તા.૨૫
કોવિડ-૧૯ મહામારીના કારણે ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડવાના ભાગરૂપે આસામમાં ધો.૧૨ના અભ્યાસક્રમમાંથી જવાહરલાલ નહેરુ, મંડલ કમિશન રિપોર્ટ ૧૯૮૪ અને ગુજરાતના ૨૦૦૨ના રમખાણો જેવા વિષયો પરના પાઠ આ વર્ષે નહીં ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારે આ વિષયોને અભ્યાસક્રમમાંથી હટાવી દીધાં છે. હટાવવામાં આવેલ અભ્યાસક્રમની યાદી આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઉપરોક્ત પાઠ પડતા મૂકવાનો નિર્ણય શિક્ષકો અને રાજ્યના વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ લેવામાં આવ્યો છે.
પોલિટીકલ સાયન્સમાંથી જે ચેપ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે તેમાં પ્રથમ ત્રણ સામાન્ય ચૂંટણીઓ, રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે નહેરુનો અભિગમ, દુષ્કાળ અને પંચવર્ષીય યોજના સ્થગિત કરાઇ, નહેરુની વિદેશી નીતિ, નહેરુ બાદ રાજકીય વિરાસત, ગરીબી હટાઓની રાજનીતિ, ગુજરાત નવનિર્માણ આંદોલન, પંજાબ સંકટ અને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો, મંડલ પંચના અહેવાલનો અમલ, યુએફ અને એનડીએ સરકારો, ૨૦૦૪ની ચૂંટણીઓ અને યુપીએ સરકાર, અયોધ્યા વિવાદ અને ગુજરાત રમખાણોનો સમાવેશ થાય છે.
અન્ય ટોપીક્સમાં કોંગ્રેસ પક્ષ અને તેનો ઇતિહાસ, કાશ્મીરના મુદ્દાઓ, ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧માં ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધો, કટોકટી, જનતાદળ અને ભાજપનો ઉદય વગેરેનો સમાવેશ થાય છે. માત્ર પોલિટીકલ સાયન્સમાં જ નહીં પરંતુ ધો.૧૨ માટેના ઇતિહાસના પણ કેટલાક પાઠ રદ કરવામાં આવ્યાં છે. અંગ્રેજીમાં પણ બાળપણની સ્મૃતિઓ ધરાવતું પ્રકરણ રદ કરાવ્યું છે.