(એજન્સી) તા.૧૬
આસામમાં મુસા મોંડલ નાગરિકતા સંકટનો ૧૦૭મો શિકાર બન્યો છે કે જ્યારે તેને ૧૨, ઓક્ટો.૨૦૨૦ના રોજ વિદેશી જાહેર કરતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. મુસા મોંડલ બારપેટા જિલ્લાના સોરભોગ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા કાયસ્થપારા ગામમાંથી આવતો હતો.
૨૦૧૮માં વોયેજ મોંડલના પુત્ર મુસાને બારપેટામાં આઠમી ફોરેનર્સ ટ્રીબ્યુનલ તરફથી વિદેશીની નોટિસ મળી હતી. ત્યારબાદ તેમણે વકીલનો સંપર્ક કર્યો હતો અને પોતાને કેસ લડવા માટે જંગી ફી ચૂકવી હતી. આ નિરક્ષર માણસ માટે નાણાં એકત્ર કરવા મુશ્કેલ હતા કારણ કે તેઓ ચારના ગરીબ પરિવારમાં એક માત્ર કમાઉ સભ્ય હતાં. જો કે થોડા સમય બાદ તેના વકીલને અકસ્માત નડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ૧૦ દિવસ સુધી કોમામાં રહ્યા બાદ તેમની આ વકીલને ૯ મહિના પથારીવશ રહેવું પડ્યું હતું. આમ આ સમયગાળા દરમિયાન આ વકીલ ફોરેનર્સ ટ્રીબ્યુનલ સમક્ષ હાજર નહીં થઇ શકતાં મુસા મોંડલને એકપક્ષીય રીતે વિદેેશી જાહેર કરવામાં આવ્યો હતો.
દરમિયાન ફોરેનર્સ ટ્રીબ્યુનલના તેને વિદેશી જાહેર કરતાં ચુકાદાને ગુવાહાટી હાઇકોર્ટમાં પડકારવા માટે વકીલે રૂા.૮૦,૦૦૦ની વધુ ફી માગતાં મુસા મોંડલે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી. મુસા મોંડલ હાઇકોર્ટમાં જવા માટે છેલ્લા દોઢ વર્ષથી નાણાં એકત્ર કરતો હતો પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. આખરે ૧૧, ઓક્ટો.ના રોજ ઘરેથી રવાના થયા બાદ મુસા મોંડલ લાપત્તા બન્યો હતો. થોડા દિવસ બાદ તેણે લટકી જઇને આત્મહત્યા કરી હતી.