(એજન્સી) તા.૨૪
ગયાં મહિને પ.આસામના બારપેટા જિલ્લાના દક્ષિણ ભાગમાં કેટલાય પૂરગ્રસ્ત ગામોમાંથી ૧૩થી ૧૭ વર્ષની વયના ૧૨ બાળકો અને ૧૫ પુખ્તોની અરૂણાચલ પ્રદેશમાં ૧૨-માનવ તસ્કરી કરવામાં આવી હતી. તેમને અરૂણાચલ પ્રદેશમાં ઇસ્ટ કામેન્ડ જિલ્લાના દાદા ગામમાં લઇ જવાયાં હતાં અને એક મહિના સુધી તેમને વેઠીયા મજૂર તરીકે રાખવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ જિલ્લા બાળકલ્યાણ સમિતિએ તેમને રેસ્કૂ કર્યા હતા. માનવ તસ્કરીનો ભોગ બનેલા બાળકોના માતા પિતા અને વાલીઓને તસ્કરો દ્વારા એવું ંકહેવામાં આવ્યું હતું કે આ શ્રમિકોને આસામના લખીમપુર જિલ્લામાં રોજ નિર્માણ કાર્યમાં કામે લગાડવામાં આવશે પરંતુ તેના બદલે તેમને પથ્થરો તોડવા માટે ભયજનક માહોલમાં કામ કરવા માટે પડોશના અરૂણાચલ પ્રદેશ માકલવામાં આવ્યા હતાં. તેમને પર્યાપ્ત ભોજન, સાફસફાઇ અને તબીબી જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવ્યાં હતાં અને તેઓ પોતાના પરિવારોથી વિખૂટા રહ્યાં હતાં કારણ કે તસ્કરોએ તેમને ફોન કરવા દીધાં ન હતાં. ચાંપતી દેખરેખ હેઠળ તેમની પ્રત્યેક હીલચાલ નિયંત્રિત કરવામાં આવી હતી. ૨૦ દિવસ બાદ યાકુબ અને અહીલા ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યાં હતાં અને એક ટ્રકમાં બેસીને તેઓ આસામ પહોંચ્યાં હતાં અને ત્યાર બાદ તેણે માનવ તસ્કરીની ભયાનક વાત પોતાના ઘરે પહોંચ્યાં બાદ બધાને કરી હતી. તેમને જમવામાં માત્ર ચાવલ, દાલ અને બટાકા મળતાં હતાં. કોઇ વિરોધ કરતાં તો તેઓ તેમને અપશબ્દો સંભળાવતાં. તેમને પહાડી પરથી ફેંકીને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બીમારોને તબીબી સહાય આપવાની વિનંતી પણ ફગાવી હતી. આસામમાં લખીમપુર જિલ્લાના અલી નામના એક લેબર કોન્ટ્રાક્ટરે બારપેટા જિલ્લામાં એક એજન્ટની નિમણૂંક કરી હતી અને એજન્ટને રુ.૬૦૦૦૦ ચૂકવ્યા હતાં. એજન્ટે બાળકો અને તેના માતા પિતાને એડવાન્સ તરીકે દરેકને રૂા.૫૦૦થી ૧૦૦૦ આપીને લલચાવ્યાં હતાં અને દરરોજનું રૂા.૪૦૦ મહેનતાણું ચૂકવવાની લાલચ આપી હતી. તેમની તસ્કરી કર્યા બાદ તેમની સાથે નોકરીદાતા દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. નાના બાળકોને હથોડાથી મોટા પથ્થરો તોડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. બાળકો હથોડા ઉપાડી શકે એટલા સક્ષમ ન હતા.