(એજન્સી) જોરહાટ, તા. ૧૫
આસામમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં ૨ પાયલટન મોત થયાં. ઘટના પાછળ ટેકનીકલ ખામી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જોકે તેની પુષ્ટિ થઈ શકી નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે માઈક્રોલાઈટ વિમાન બપોરના નિયમિત ઉડાણ ભરવા માટે જોરહાટ વાયુસેનિક એરપોર્ટ પરથી રવાના થયું હતું. થોડા સમય બાદ માજુલિ જિલ્લામાં તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું. અધિકારીઓએ કહ્યું કે વિમાનના કાટમાળની શોધ કરી લેવામાં આવી છે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. માજુલી જિલ્લા પોલીસે દુર્ઘટના તથા મોતની પુષ્ટિ કરી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સુમોઈમારી ચપોરીમાં આ દુર્ઘટના બની. મૃતકોની ઓળખ વિંગ કમાન્ડર જય પોલ જેમ્સ અને ટી વેટ્‌સ તરીકે થઈ છે. નિયમિત સરહદી દેખરેખ માટે બપોરના સમયે જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ઉડાણ ભર્યાના થોડા સમયમાં વિમાનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા અધિકારીઓએ કહ્યું કે સાક્ષીઓએ જણાવ્યું છે કે એક મોટા ધડાકા સાથે વિમાન તૂટી પડ્યું હતું.