(એજન્સી) ગુવાહાટી, તા.ર૭
આસામના દીમાપુર જિલ્લામાં મઈબંગ વિસ્તારમાં દેખાવકારો પર પોલીસે કરેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા બાદ હિંસા ફાટી નીકળતા અચોક્કસ મુદ્દતની સંચારબંધી લાગુ કરાઈ હતી. જેના કારણે હજારો મુસાફરો રેલવે સ્ટેશને રખડી પડ્યા હતા. સીલચર અને ગુવાહાટી વચ્ચેની ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવાઈ હતી. સંઘના એક કાર્યકરે એવી વાત વહેતી મૂકી હતી કે નાગા સમજૂતીની યોજનાનો મુસદ્દો જોતાં જિલ્લો નાગાલીમનો ભાગ બતાવે છે. તેનાથી ભડકી ઉઠેલા દીમાના આદિવાસીઓએ સંઘ સામે મોટાપાયે દેખાવો યોજ્યા હતા. પરંતુ આરએસએસના નેતા જગદંબા મોલે દાવો કર્યો છે કે તેમની વાતને ખોટી રીતે રજૂ કરાઈ છે. દેખાવકારોએ રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડ્યું હતું. દીમા હસાઉના નાયબ કમિશનર દેવ જયોતિ હઝારિકાએ કહ્યું કે ટ્રેક સમારકામ સમય લેશે. પછી ટ્રેનો શરૂ થશે. રપ બસોના મુસાફરોને લઈ જવા વ્યવસ્થા કરાઈ છે. પરંતુ દેખાવકારોએ બસો ન્યુ હાફલોગ જવા દેવાની મંજૂરી આપી ન હતી. મુસાફરોને ખોરાક-પાણી અને સલામતી પૂરા પડાયા છે. આ આંદોલનથી આસામ, મિઝોરમ, ત્રિપૂરા સંપૂર્ણ કપાઈ ગયા છે. નોર્થ ઈસ્ટના રેલવે વડાના પ્રવકતા પ્રણવ જ્યોતિએ કહ્યું કે મુસાફરોએ ર૪ કલાક સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છે. ટ્રેકની સલામતી વગર ટ્રેન સેવા પુનઃ શરૂ ન કરાય. શુક્રવારે રાત્રે દેખાવકારો મૃતદેહોને લઈને દીમા હસાઓ વડામથકે પહોંચ્યા હતા. ટ્રાયબલ જૂથે ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું છે. પ્રદર્શનકર્તાઓએ સૂચિત મુસદ્દા અંગે સરકારને તેનું વલણ સ્પષ્ટ કરવા લેખિતમાં જણાવવા કહ્યું છે તેમજ જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી મૃતકોને અને ઈજાગ્રસ્તોને વળતર આપવા માગણી કરી છે.