(એજન્સી) તા.૧૫
આસામમાં ધુબડી જિલ્લામાં એક વિદેશી ટ્રીબ્યુનલ (ફોરેનર્સ ટ્રીબ્યુનલ) સાથે સંકળાયેલ સાત્ મુસ્લિમ આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર્સને (એજીપી) હટાવીને તેમના સ્થાને હિંદુ વકીલોની નિમણૂંક કરવાના નિર્ણય સામે વેધક સવાલો ઊભા થયાં છે. આ સાત મુસ્લિમ એજીપીની સેવાનો ૮,સપ્ટે.ના રોજ અંત લાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર્સ ફોરેનર્સ ટ્રીબ્યુનલ્સમાં સરકાર વતી કેસો ચલાવે છે. આમાંના મુસ્લિમ સમુદાયના મોટા ભાગના સરકારી પ્લીડર્સને હટાવીને તેમના સ્થાને બંગાળી હિંદુ સમુદાયના લોકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગઇ સાલ અપડેટ કરાયેલ આખરી એનઆરસી બાદ બાદબાકી કરાયેલ ૧૯ લાખ લોકોની યાદીમાં ભાજપની વોટબેંક મનાતા બંગાળી હિંદુઓનો મોટી સંખ્યામાં સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલ આદેશમાં એવું લખવામાં આવ્યું છે કે જાહેર સેવાના હિતમાં તા.૮, સપ્ટે.ના નોટિફીકેશનના આદેશ દ્વારા એજીપી અમિનુલ ઇસ્લામની સેવાઓ ધુબડી ખાતે પ્રથમ ફોરેનર્સ ટ્રીબ્યુનલમાં તત્કાળ અસરથી સમાપ્ત કરવામાં આવે છે અને તેના સ્થાને રીતુપર્ણા ગુહાની નિમણૂંક કરવામાં આવે છે. આ જ પ્રકારનો આદેશ અન્ય મુસ્લિમ એજીપીના કિસ્સામાં કરવામાં આવ્યાં છે. જેમની સેવાનો અંત લાવવામાં આવ્યો છે એવા આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડરે જણાવ્યું હતું કે સરકારે અમને કોઇ પૂર્વ નોટિસ આપ્યાં વગર આ નિર્ણય કર્યો છે. વાસ્તવમાં કાયદાએ બ્યુરોક્રેટીક ધોરણોને અનુસરીને પ્રોપર ચેનલ દ્વારા અમારી સેવાનો અંત લાવવો જોઇતો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેબબ્રત સાયક્યાએ જણાવ્યું હતું કે આ બાબત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જેમની સેવાનો અંત લાવવામાં આવ્યો છે એવા સરકારી વકીલોએ લઘુમતી આયોગના દ્વાર ખટખટાવવા જોઇએ.