(એજન્સી) ગુવાહાટી,તા.૧૧
ગુવાહાટી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવાયું છે કે આસામના એન.આર.સી. રજીસ્ટરમાં ચેકિંગમાં બેદરકારી અને નબળી ગુણવત્તાના લીધે બિનપાત્રતા ધરાવતા ૨.૭૭ લાખ લોકોના નામો દાખલ થઇ ગયા છે. હાઇકોર્ટમાં એન.આર.સી. કો-ઓર્ડીનેટર હિતેશ શર્મા દ્વારા દાખલ કરાયેલ સોગંદનામામાં જણાવાયું છે કે એન.આર.સી. સત્તાવાળાઓએ ડ્રાફ્ટ એન.આર.સી.માં ૨૭ ટકા લોકોની પુનઃ ચકાસણીની પ્રક્રિયા પછી ૧ લાખથી વધુ નામો કાઢી નાંખ્યા હતા. આનાથી અનુમાન મૂકી શકાય છે એન.આર.સી. રજીસ્ટરમાં વધુ બિનપાત્રતા ધરાવતા નામો હશે. સોગંદનામામાં જણાવ્યું છે કે ૨૭ ટકા નામોની પુનઃ ચકાસણી પછી ૧,૦૨,૪૬૨ નામો દૂર કરાયા છે. અને હજુ ૭૩ ટકા લોકોના નામોની ચકાસણી કરાઈ નથી. જો એ હિસાબે ગણતરી કરવામાં આવે તો ૨.૭૭ લાખ એવા લોકોના નામો મળી આવશે જેઓ પાત્રતા ધરાવતા નથી. વિદેશી જાહેર કરાયેલ લોકોએ ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પગલે હાઈકોર્ટે સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું. અરજદારોએ કહ્યું હતું કે એમના નામો ૨૦૧૯માં જાહેર કરાયેલ અંતિમ યાદીમાં હતા. એન.આર.સી.ના અંતિમ રજીસ્ટરમાં ૩૧.૧ મિલિયન લોકો રજીસ્ટરમાં નોધણી માટે પાત્રતા ધરાવતા હતા અને રજીસ્ટરમાંથી ૧.૯ મિલિયન લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા.