(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર જેલમાંથી બહાર આવવા માંગતા આસુમલ હરપલાની ઉર્ફે આસારામની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. કોર્ટે ૩૦ માર્ચના રોજ પણ તેની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. અગાઉના હાઇકોર્ટના આદેશને તથા સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતાં જસ્ટિસ એ.એસ. સુપેહિયાએ આજે આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટે જેલમાંથી બહાર આવવા માંગતા આસુમલ હરપલાની ઉર્ફે આસારામની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. આસારામની રજૂઆત હતી કે, જો તે જેલના સળિયા પાછળ રહે તો તેને કોરોના વાયરસનો ચેપ લાગશે.
આસારામ (૮૪) બળાત્કારના કેસમાં આરોપી છે, જે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તેની ઓક્ટોબર ૨૦૧૩માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે. કારણ કે, તેને સગીર યુવતી પર જાતીય શોષણના બીજા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે.
ચાર મહિનાથી જેલમાંથી છૂટકારો મેળવવા આસારમે ચેપી રોગની સંવેદનશીલતા દર્શાવવા માટે તેની વૃદ્ધાવસ્થા અને નબળા સ્વાસ્થ્યનો દાખલો આપ્યો હતો, તેના વકીલે રજૂઆત કરી હતી કે, “અરજદારની ઉંમર અને સ્થિતિને ધ્યાનમાં લેતા, તે રાજ્યમાં પ્રવર્તતી COVID-19 માટે વધુ સંવેદનશીલ છે અને તેથી, અરજદારને પ્રાર્થના મુજબ કામચલાઉ જામીન આપવા માટે આ એક યોગ્ય કેસ છે.” આસારામના વકીલોએ કેદીઓને છૂટા કરવા માટે વિવિધ રાજ્ય સરકારોને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેથી જેલોની અંદર કોરોના વાયરસના ફેલાવાના જોખમને અટકાવી શકાય. જામીન અરજી પર સરકારી વકીલે સખ્તાઇથી વાંધો ઊઠાવ્યો હતો. રાજ્ય સરકારની સુનાવણી બાદ ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ નિરીક્ષણ સાથે આસારામની ચાર મહિનાની જામીન અરજી નામંજૂર કરી હતી કે, “આરોપીની નિયમિત જામીન અરજીઓ આ અદાલત દ્વારા તેમજ સુપ્રીમ કોર્ટે મંજૂર નહોતી કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને અનુસરીને ઉચ્ચ પાવર સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકામાં ઉલ્લેખિત કોઈપણ કેટેગરીમાં અરજદારનો કેસ પણ આવતો નથી.” સમિતિએ તે અંતર્ગત કેદીઓને મુક્ત કરવાની ભલામણ કરી હતી, જે આરોપીઓ સુનાવણી હેઠળ છે અને જેમને સાત વર્ષની સજા સુધીની સજા છે. નિર્ભયા બળાત્કાર કેસમાં જાતીય હુમલા વિરૂદ્ધ કાયદામાં કરેલા સુધારણા બાદ આસારામ એવા આરોપોનો સામનો કરી રહ્યા છે, જેમાં મહત્તમ સજા આજીવન કેદની છે.