(એજન્સી) શ્રીનગર. તા.૧૪
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષીય બાળા આસિફાના ગેંગરેપ અને હત્યાનો મુખ્ય કાવતરાખોર સંજીરામે પોતાનું કાવતરું પાર પાડવા માટે મહિનાઓ પહેલા પોતાના બેંક ખાતામાંથી ૧૦ લાખ રુપિયા ઉપાડીને અલગ રાખ્યા હોવાનો આ કેસની કરવામાં આવી રહેલી તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સંજીરામે કેસ પતાવી દેવા માટે પોલીસને લાંચ આપવા માટે આ ૧૦ લાખ રુપિયા અલગ રાખ્યા હતા. આસિફાના અપહરણ,ગેંગરેપ અને અંતે તેની ક્રૂર રીતે કરાયેલી હત્યાના કેસમાં આરોપીઓને બચાવવા માટે મહત્વના પુરાવાઓનો નાશ કરનાર સ્થાનિક પોલીસ અધિકારીઓને લાંચ આપવા માટે આ નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાંડમાં સંડોવાયેલા પોલીસવાળા સબ-ઇન્સપેક્ટર આનંદ દત્તા અને હેડકોન્સ્ટેબલ તિલક રાજની પણ ધરપકડ કરાઇ છે.
તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે આસિફાના રેપ અને હત્યા પછી ભારે હોબાળો થઇ ગયા બાદ સંજી રામે હીરાનગરના પોલીસ સ્ટેશનના સબ-ઇન્સપેક્ટર આનંદ દત્તા સાથે કરેલી ૫ાંચ લાખ રુપિયાની ડીલનાના ભાગરુપે ચાર લાખ રુપિયા ચુકવીને કેસ દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસ ૨૨મી જાન્યુઆરીએ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે તે પહેલા આનંદ દત્તા કેસની તપાસ કરી રહ્યો હતો. તપાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેસ દબાવી દેવા માટે સંજીરામ પાસેથી ચાર લાખ રુપિયાની લાંચ લીધા બાદ સબ-ઇન્સ્પેક્ટરે અપરાધીઓને બચાવવા માટે પુરાવાઓનો નાશ કરવા અને ખોટા પુરાવા ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સંજીરામે તેની બહેન તૃપ્તા દેવી અને એક આરોપીની માતાનો હેડકોન્સ્ટેબલ તિલક રાજને ૧.૫ લાખ રુપિયા આપવા માટે કુરિયર તરીકે ઉપયોગ કર્યો હતો. આસિફાના કેસમાં ભારે હોબાળો થઇ જતા સંજીરામ પોતાની ધરપકડ ટાળવા માટે છુપાઇ ગયો હતો પરંતુ તેના પુત્ર વિશાલ જંગોત્રાની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ ૨૦મી માર્ચે તે ક્રાઇમ બ્રાંચ સમક્ષ શરણે આવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે સંજીરામે તપાસકારોને આપવા માટે બાકીના નાણા ક્યાંક છુપાવીને રાખ્યા છે.

હંદવાડામાં વિદ્યાર્થીઓએ દેખાવ કર્યો, દોષિતોને સજાની માગ કરી

હંદવાડા.
‘ઓલ જમ્મુ અને કાશ્મીર ટ્રાઇબલ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન’ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ આસિફાના બળાત્કારીઓ અને હત્યારાઓને ઉદાહરણરુપ સજા કરવાની માગણી કરીને કુપવાડા જિલ્લાના હંદવાડા શહેરમાં શનિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્લેકાડ્‌ર્સ લઇને વિરોધ કર્યો છે. આ પ્લેકાડ્‌ર્સમાં ‘ડેથ ટુ રેપિસ્ટ’ અને ‘નોેમેડ્‌સ વિલ નોટ બી કાઉડ ડાઉન બાય ધ કાવડ્‌ર્સ’ જેવા સંદેશા લખેલા હતા. સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરતા વિદ્યાર્થીઓ હંદવાડાના મુખ્ય ચોકમાં થઇને પસાર થયા હતા. હંદવાડાના મુખ્ય ચોક ખાતે ધરણા યોજીને દેખાવકારો શાંતિપૂર્વ રીતે વિખેરાઇ ગયા હતા.