કાશ્મીરના કઠુઆમાં ૮ વર્ષની માસૂમ બાળકી આસિફા પર માનવરૂપમાં ફરતા શેતાનો દ્વારા જે રીતે નિર્દયી, ઘાતકી અને બેશરમીપૂર્વક બળાત્કાર અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેનાથી દેશભરની પ્રજામાં આક્રોશ વ્યાપી ગયો છે. દેશમાં બળાત્કારની તો અનેક ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે પરંતુ એક માસૂમ બાળકી પર જે રીતે હેવાનને પણ શરમાવે તેવું કૃત્ય થયું છે તેનાથી લોકોમાં ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓમાં જબ્બર આક્રોશ ફાટી નીકળ્યો છે અને આસિફાના હત્યારાઓને પકડી સખ્તમા સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે ઠેર-ઠેર દેખાવો, કેન્ડલ માર્ચ, સહી ઝુંબેશ રેલી, ધરણાં જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઘટનાએ નાત જાત અને ધર્મના ભેદભાવ ભૂલાવી લોકોને વધુ નજીક લાવી દીધા છે. નિર્ભયા હોય કે આસિફા તમામ શાંતિપ્રિય લોકો ખભેખભા મિલાવી આ દેખાવોમાં ભાગ લઈ રહ્યા છે. તે સરકાર માટે શરમજનક બાબત કહી શકાય.