(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૨
જમ્મુના કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે ત્રણ દિવસસુધી પાશવી દુષ્કર્મ અને ઉન્નાવમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારનારા ભાજપના ધારાસભ્યની ધરપકડ નહીં કરવા બદલ હવે દિલ્હીના લોકો ફરી એકવાર બાળકીઓની સુરક્ષાને લઇ માર્ગો પર આવી ગયા છે. મોડી રાતે કેન્ડલ માર્ચમાં હજારો લોકો સામેલ થયા હતા જેમાં કોેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા. હજારો લોકોની ભીડે ઇન્ડિયા ગેટ તરફ કૂચ કરી હતી અને તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરાયું હતું. લોકો હાથમાં કેન્ડલ લઇ મહિલાઓ વિરૂદ્ધ હિંસા સામે ન્યાયની માગ કરી રહ્યા છે. હજારો લોકોના આ ટોળા એ સમયે માર્ગો પર ઉતર્યા છે જ્યારે કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર પાશવી રીતે બળાત્કાર ગુજારાયા બાદ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. દિલ્હીના માર્ગો પર મધરાતે લોકો નીકળી પડ્યા હતા. રાહુલ ગાંધીએ આ કેન્ડલ માર્ચમાં જોડાવા માટે લોકોને સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી. બીજી તરફ ઇન્ડિયા ગેટ તરફ જતા કોંગ્રેસની માર્ચને રોકવામાં આવી હતી જ્યારે પ્રિયંકા ગાંધીને પણ બેરિકેડ લગાવી રોકવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ લોકોને સમજાવ્યા હતા કે આ શાંતિપૂર્ણ રેલી છે અને કોઇ હિંસા ન થવી જોઇએ. માર્ચમાં સામેલ વિદ્યાર્થી નૂર આલમે કહ્યું કે, તે કોઇ રાજકીય માર્ચમાં નહીં પરંતુ ન્યાયની માગ સાથે અહીં આવ્યો છે. વિરોધમાં નિર્ભયાના માતા-પિતા પણ સામેલ રહ્યા હતા. દરમિયાન હજારો લોકો કઠુઆ અને ઉન્નાવમાં કિશોરીઓ સાથે બળાત્કાર મામલે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરતા દેખાયા હતા. આ પહેલા ૨૦૧૨માં નિર્ભયા રેપકાંડ બાદ દિલ્હીમાં આ રીતે લોકો બહાર નીકળી પડ્યા હતા તે દૃશ્યો તાજા થઇ ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, લોકો હવે જાગી ચૂક્યા છે. ગુલામ નબી આઝાદે ભાજપ સરકાર પર ઉંઘી રહેવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતુ કે, આ માટે જ કોંગ્રેસ તેમને જગાડી રહી છે. ભાજપ બેટી બચાવો, બેટી પઢાવોના નારા આપે છે અને તેમના રાજ્યોમાં જ બાળકીઓ સાથે રેપ થાય છે. તેઓ પોતાના મંત્રી સામે જ પગલાં નથી લઇ રહ્યા જે આરોપી છે. દરમિયાન ઇન્ડિયા ગેટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે તમામ માર્ગો બંધ કરી ત્યાં બેરિકેડ મુકી દીધા હતા. જોકે, લોકો બેરિકેડ કુદીને જતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આ માર્ચમાં રાત્રે ૧૨ વાગે જોડાયા હતા જ્યારે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ માર્ચમાં હાજર રહ્યા હતા.