અમદાવાદ,તા. ૧૪
કઠુઆમાં બાળકી પર બળાત્કારની શર્મશાર ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે દેશભરમાં બળાત્કારના આરોપીઓ ઉપર ચોતરફથી ફિટકારની લાગણી વરસી રહી છે. ત્યારે હાર્દિક પટેલે પણ કઠુઆની પીડિતા આસિફાને સમર્થન આપ્યું છે.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે આસિફા તું મરી નથી પરંતુ પુરો દેશ અને માનવતા મરી પરવારી છે. હું આસિફાની સાથે છું આસિફાને ન્યાય મળવો જોઈએ અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. જેમણે પણ આ શરમજનક કૃત્ય કર્યું છે તેઓ માફ કરવાના લાયક નથી.
વધુ એક ટ્‌વીટ કરીને હાર્દિકે વડાપ્રધાન મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતના તેમના ખોખલા વિઝન ઉપર જોર આપતા થાકતા નથી. ત્યાં તેમની જ પાર્ટીના શાસનવાળા રાજ્યોમાં ગેંગરેપની બે ઘટનાઓ બની છે. જેણે માત્ર દેશવાસીઓને શર્મશાર કર્યા છે. તેમજ મહિલા સુરક્ષાના દાવાઓ હકીકત પણ સામે લાવી દીધા છે. આમ હાર્દિકે આસિફાને સર્મથન આપતું પ્લેકાર્ડવાળો તેનો ફોટો પણ ટ્‌વીટ ઉપર શેર કર્યો હતો.