જમ્મુ-કાશ્મીરના કઠુઆ, ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને ગુજરાતમાં સુરતમાં બળાત્કારોની જે ઘટનાઓ બહાર  આવી છે તેનાથી ગુજરાત કે દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી રેપિસ્ટ ઈન્ડિયા તરીકે ખરડાઈ રહી છે. ખાસ કરીને કઠુઆની ૮ વર્ષની માસૂમ બાળકી આસિફા પર નરાધમો દ્વારા જે પ્રકારે અત્યાચાર કરી બળાત્કાર ગુજારાયો અને તેની હિંસક પશુઓ ફાડી ખાય તે રીતે હત્યા કરવામાં આવી તેનાથી વિશ્વ કાંપી ઉઠયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી વધુ ખરડાઈ ગઈ છે. આવા જ વિરોધ  પ્રદર્શનો રોજેરોજ  અમદાવાદ અને ગુજરાતમાં પણ યોજાઈ રહ્યા છે. બુધવારે અમદાવાદના જુહાપુરા અને સરખેજમાંથી નીકળેલી વિશાળ રેલીએ સરકારના પાયા હચમચાવી  નાખ્યાં હતા. એક રેલી વિશાલા સર્કલથી ગાંધી હોલ અને બીજી રેલી સરખેજ ચાર રસ્તાથી ગાંધી હોલ સુધી નીકળી હતી. જેમાં જુહાપુરા, સરખેજ જ નહીં સમગ્ર શહેર તથા આસપાસના ગામડાઓમાંથી હજારો હિન્દુ-મુસ્લિમો સ્વયંભૂ રેલીમાં જોડાતા  જાણે રેલો નીકળ્યો હોય તેમ જણાતું હતું. રેલી દરમ્યાન સરખેજ, જુહાપુરાના  વેપારીઓએ પણ  સ્વયંભૂ રીતે ધંધા  રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા અને આસિફા સહિતની અન્ય પીડિતાઓના ગુનેગારોને પકડી સખતમાં સખત સજા કરવા અથવા ફાંસી આપવા માગણી કરી હતી. આ રેલીનું હાર્દિક પટેલે સંબોધન કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરખેજના મુસ્લિમ આગેવાન યાસીનબાપુ તથા વોર્ડ પ્રમુખ આસીફખાન જોલી આયોજિત આ રેલીમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલરો હાજીભાઈ મીરઝા, રોશનબેન વોરા, સમીરખાન પઠાણ, અમદાવાદ ટાસ્ક ફોર્સના આસીફ સૈયદ અને અનિસ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.