સુરત, તા.૧
સુરત મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની ભરતી માટે પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા દરમિયાન થયેલી ક્ષતિઓ અંગે સાંસદ સી.આર.પાટીલને ટેલિફોનિક, રૂબરૂ અને ન્યૂઝ પેપર્સ દ્વારા ફરિયાદો મળતા એમણે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ ફરિયાદો પર ધ્યાન આપવા માટે જાણ કરી છે.
સી.આર.પાટીલે પત્રમાં જણાવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની જગ્યા ભરતી માટે પરીક્ષાઓ લેવામાં આવે છે. જેમાં મળેલી ફરિયાદો પ્રમાણે પરીક્ષામાં પેપર સેટર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્ર બાબતે શંકા સેવાઇ રહી છે. આ સાથે આ પરીક્ષા કોઇપણ પ્રકારની તટસ્થ એજન્સી દ્વારા લેવાઇ હોવાનું જણાઇ રહ્યું નથી. વિદ્યાર્થીઓને આપવામાં આવતી ઉત્તરવહીમાં બારકોટ સ્ટીકરની સુવિધા જણાઇ નથી, આ સુવિધાના અભાવે સરળતાથી ગેરરીતિ થઇ શકે છે. પરીક્ષાર્થી પાસે જ ઉત્તરવહીમાં નામ અને નંબર લખાવવામાં આવે છે. જે કારણે પરીક્ષાની વિશ્વસનીયતા જળવાતી નથી અને ગેરરીતિ થવાનો અવકાશ ખૂલ્લો રહે છે. આ સાથે પરીક્ષાનું સંચાલન મહાનગરપાલિકાના રિક્રૂટમેન્ટ વિભાગ દ્વારા કરવાનું હોય છે પણ જાણવા મળ્યા પ્રમાણે મહેકમ વિભાગ દ્વારા આ કામગીરી થઇ હોવાનું જણાયું છે.
આ સાથે પરીક્ષાખંડમાં સુપરવાઇઝરની જવાબદારી પણ પાલિકાના કર્મચારી દ્વારા જ થઇ હોવાનું જણાયું છે, આ કારણે પણ તટસ્થતાનાં પ્રશ્નો ઊભા થયા છે. નિયમ પ્રમાણે પરીક્ષાખંડમાં વીડિયોગ્રાફી કર્યા બાદ ચોક્કસ સમય-મર્યાદામાં વીડિયો ફૂટેજ મેળવી લેવાના હોય છે, જેમાં પણ વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પરીક્ષાર્થી કે સુપરવાઇઝરે કયા ખંડમાં જવાનું છે એ ડ્રો પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે. આ ડ્રો પદ્ધતિ પણ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે. પરીક્ષાર્થી કે સુપરવાઇઝર દ્વારા મોબાઇલ ન લઇ જવાનો નિયમ પણ પાળવામાં આવ્યો હોય એવું જણાઇ રહ્યું નથી.
સાંસદ સી.આર.પાટીલે આ ફરિયાદોને આધારે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો છે અને મહેનત કરનાર ઉમેદવારને અન્યાય ન થાય એ વાત ધ્યાન પર લેવા માટે જણાવ્યું છે. આ સાથે જો આ પ્રકારની કોઇપણ ક્ષતિ પરીક્ષા દરમિયાન રહી હોય તો સત્વરે કમિટી બનાવી આ અંગે તપાસ કરવા માટે જણાવ્યું છે અને હાલ પૂરતી પરીક્ષાની કામગીરી જે-તે કક્ષા પર સ્થગિત કરી દેવાની ભલામણ પણ કરાઇ છે.