(એજન્સી)વેલિંગ્ટન,તા.૨૭
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસનનું કહેવું છે કે કોરોનાના આ કપરા સમયમાં સૌથી પ્રેશરભર્યું કામ લોકોના જીવનને બચાવવાનું છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાઇરસ આજે દુનિયાભરમાં ફેલાયો છે. દુનિયા આખી લોકડાઉન થઈ ગઈ છે. ઇન્ડિયામાં પણ આ વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડે પણ તેમના દેશમાં વિદેશપ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિશે વધુ જણાવતાં વિલિયમસને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસની મહામારીથી એક વસ્તુ તો કિલયર થઈ ગઈ છે કે હેલ્થ ક્રાઇસિસ આવી ગઈ છે. આવી મહામારી આપણે પહેલાં કયારેય નથી જોઈ. જોકે એમાં કોઈ શંકા નથી કે આગામી દિવસોમાં આપણે એના પર કાબૂ મેળવી લેશું. આપણે નસીબદાર છીએ કે આપણી રક્ષા કરવાવાળું કોઈક છે. લોકો કહેતા હોય છે કે સ્પોટ્‌ર્સ મેન અને વિમેન્સ કેટલું પ્રેશરમાં પર્ફોર્મ કરતાં હોય છે, પરંતુ અમે એ અમારા માટે કરીએ છીએ. આ એક ગેમ છે જેને અમે પ્રેમ કરીએ છીએ. ખરૃં કામનું પ્રેશર તો લોકોના જીવનને બચાવવાનું છે.
ખરૃં પ્રેશર તો બીજાના જીવન માટે પોતાનું જીવન જોખમમાં નાખી રોજ કામ પર જવાનું છે. આ એવી જવાબદારી છે જે દુનિયાના બેસ્ટ અને મદદકર્મીઓ દ્વારા કરવામાં આવે છે. બ્લેક કેપના સભ્ય હોવાથી અમને એ વાતનો ગર્વ છે કે અમારો દેશ અમારી સાથે ઊભો છે તેમ જ અમે સરકારને પણ જણાવીએ છીએ કે તમે પણ એકલા નથી, તમારી પાછળ દરેક વ્યકિત ઊભી છે.