(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ મુક્યો છે. જુલાઈ ૨૦૨૧ સુધી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના પર પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસ નેતા ડૉક્ટર મનમોહન સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ સમયે કર્મચારીઓ અને સશસ્ત્રદળો પર આ નિર્ણય થોપવાની જરુર નથી. મનમોહન સિંહે કહ્યું છે કે, મને પુરો વિશ્વાસ છે કે સરકારી કર્મચારીઓ અને સશસ્ત્ર દળો પર આ સમયે આ કપરો નિર્ણય થોપવાની જરુર નથી. ઉલ્લેખનીય છે કે, ગરૂવારે મંત્રાલયો અને વિભાગોમાં થનારા અનેક પ્રકારના સરકારી ખર્ચ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના કારણે ૧.૧૩ કરોડ કર્મી અને પેન્શનરને અસર પડી છે. પહેલા સત્રમાં વેતન તો મળશે, પરંતુ એલટીએ, પ્રમોશનના પૈસા, ઉચ્ચ વળતર, રજા ભથ્થુ કે મોંઘવારી ભથ્થુ આપવા પર પ્રતિબંધ મુક્યો છે. કાર્યાલયના ખર્ચ, ખાણી પીણી કે પાર્ટી આયોજન અને સામાન ખરીદી જેવી પ્રવૃત્તિો પર બજેટ નહીં મળે. નોન હેડ સેલરીમાં ઓટીએ, એફટીઈ, વિભાગમાં નાના કામ અને આઈટી સાથે જોડાયેલા કોઈપણ કામના ખર્ચ માટે મુખ્યાલયની પરવાનગી લેવી પડશે. પહેલા સત્રમાં કોઈ જૂના બિલ પાસ નહી થાય. નવા બિલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડોમેસ્ટિક પ્રવાસ વગેરે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.