(એજન્સી) તા.૯
પત્નીની ઉંમર ૭૮ વર્ષ છે અને પતિની ઉંમર ૮૮ વર્ષ છે અને એ બન્ને મૃત્યુ ઈચ્છી રહ્યા છે. નારાયણ અને ઈરાવતી લવાટે બન્ને સ્વસ્થ છે. આર્થિક રીતે પણ સમૃદ્ધ છે અને પોતાનું રોજીંદું જીવન મુંબઈ ખાતે જીવી રહ્યા છે પણ એમને હવે જીવવાનો કોઈ ઉદ્દેશ્ય દેખાતો નથી. સુપ્રીમકોર્ટે આજે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને માન્યતા આપતો ચુકાદો આપ્યો છે પણ ઈચ્છામૃત્યુની પરવાનગી આપી નથી. જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય અને મૃત્યુ ઈચ્છે તો એ ગુનો ગણાશે. નારાયણ લવાટેએ જણાવ્યું કે જો કાયદો અમને પરવાનગી નહીં આપશે તો અમે કાયદો હાથમાં લઈશું. હું મારી પત્નીની હત્યા કરીશ અને એ પછી એના પરિણામોનો સામનો કરીશ. લવાટેએ બાળકો ઈચ્છતા ન હતા અને તેમને બાળકો નથી. જેથી એવા કોઈ બંધનો નથી જે એમને બાંધી શકે. લવાટેએ કહ્યું કે એક દિવસ તો મરવું જ છે પછી અત્યારે કેમ નહીં. લવાટેની આ પ્રમાણેની ઈચ્છા જોઈ પત્રકારે આ બાબત કાયદાકીય નિષ્ણાંત વકીલ, ફિલોસોફર અને ડૉક્ટર સાથે મુલાકાત કરી એમના અભિપ્રાયો જાણવા પ્રયાસો કર્યા છે. દેખીતી રીતે ત્રણેય જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલ છે જેથી જુદા જુદા અભિપ્રાયો આવ્યા હતા. વકીલ નફાડેએ કહ્યું કે કાયદાકીય રીતે એમને સક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી આપી નહીં શકાય. બંધારણ આપણને જીવવાનો મૂળભૂત અધિકાર આપે છે પણ મૃત્યુનો અધિકાર નથી જેથી કોઈ વ્યક્તિ એ માટે પ્રયાસ કરે તો એમને કાયદાનો સામનો કરવો પડે. લવાટેની આ પ્રમાણેની ઈચ્છા બાબત ફિલોસોફર ડૉ.આયેશા ગૌતમ સાથે ચર્ચા કરી એમણે જણાવ્યું કે તમને જીવન મળ્યું છે. જીવવા માટે અને એને સાચવવું એ તમારી ફરજ છે. જીવન જીવવાનો જેમ અધિકાર છે તે જ રીતે એને સાચવવાની પણ ફરજ છે તમે એ ફરજ ચૂકી શકો નહીં. જીવન જીવવાના અધિકારમાં જીવનનો અંત લાવવાનો અધિકાર સામેલ નથી. આ મુદ્દે એક મનોવૈજ્ઞાનિક ડૉ.સગીર મલ્હોત્રા સાથે વાતચીત કરતાં એમણે કહ્યું તમારા જીવનમાં એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે જ્યારે તમને જીવનમાં ખાલિપો લાગે છે. વધતી વય સાથે અસુરક્ષા અનુભવવી અને ચિંતાઓ વધતી હોય એવું બની શકે એનો અર્થ એ નથી કે તમે જીવનનો અંત લાવો. ડૉ.ગૌતમે કહ્યું કે જો સરકાર ઈચ્છામૃત્યુની છૂટ આપી દે તો એવા લાખો લોકો મળી જશે જે જીવનમાં હતાશા નિરાશાના લીધે મૃત્યુ ઈચ્છી રહ્યા હોય. સમાજમાં થતી આત્મહત્યાઓ એનો દાખલો છે એ માટે આપણે આત્મહત્યાઓ રોકવી છે એને પ્રોત્સાહન નથી આપવું. જો સક્રિય ઈચ્છામૃત્યુની પરવાનગી અપાય તો એનો સીધો અર્થ આત્મહત્યાઓને સમર્થન આપવાનું થાય જે કોઈપણ દેશ, સમાજ, સરકાર સ્વીકારી નહીં શકે.