સામાન્ય રીતે દેશના વિવિધ ધર્મના ગરીબ પશુ-પાલકો આ તહેવારમાં શહેરોમાં
આવી જાનવરો વેચી આખા વર્ષનો નાણાંકીય ટેકો કરી લે છે પણ આ વખતે
કોવિડ-૧૯ને કારણે તેમને પણ જોરદાર આર્થિક ફટકો પડ્યો હોવાનો અહેવાલ

ઈદ-ઉલ-અઝહા પ્રસંગે પશુઓના ઓનલાઈન ખરીદ-વેચાણનો પ્રયોગ નિષ્ફળ નિવડ્યો : અહેવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ પગ જમાવ્યાં છે. મહિનાઓ થવા છતાં હજુ લોકોને આ ભયાનક રોગમાંથી ક્યારે મુક્તિ મળશે તે નક્કી નથી. કોરોનાએ ભારતમાં વિવિધ ધર્મોના વાર્ષિક તહેવારોની મજા બગાડી નાંખી છે. પછી ભલે આ તહેવારો મુસ્લિમોના હોય, હિન્દુઓના હોય, ખ્રિસ્તીઓના હોય, શીખ સમુદાયના કે કોઈ અન્ય ધર્મના હોય. આ વર્ષે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પણ કોરોનાના કારણે ફીક્કો રહ્યો હતો. ત્યારે હવે ઈદ-ઉલ-અઝહાનો તહેવાર આવી પહોંચ્યો છે. પણ કોવિડ-૧૯ના કારણે કુરબાનીના આ પર્વની રોનકમાં થોડી ઝાંખપ આવ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દર વર્ષે ઈદ-ઉલ-અઝહા પ્રસંગે જમીલા પઠાણ અને તેમના પતિ મુંબઈથી પ્રવાસ ખેડી તેમના ચિત્તૂર ગામમાં જાય છે. જે આંધ્રપ્રદેશમાં સ્થિત છે. તેઓ કુરબાનીના આ પર્વની પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે. પણ કોરોનાના કારણે તેમને આ વર્ષે પોતાની યાત્રા રદ્દ કરવી પડી છે. જો કે તેઓ મુંબઈમાં રહી પશુની કુરબાની કરશે. પઠાણ પરિવારે જણાવ્યું હતું કે આ વખતે નાણાંભીડ અનુભવાઈ રહી છે. કેમકે લોકડાઉન સમયથી અમારું કામકાજ બંધ છે. જમીલા મુંબઈના શિવાજી નગરમાં રહે છે અને દરજી કામ કરે છે. તેમના પતિ ઈવેન્ટ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. પઠાણ પરિવાર એ વાત અંગે ચોક્કસ નથી કે તેઓ કુરબાની માટેના જાનવરને ઘરે લાવી શકશે કે નહી. કેમકે આ તહેવારને લઈ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બે સપ્તાહ અગાઉ કેટલાક નિર્દેશો બહાર પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં બજારમાં થતી ભીડને ટાળવાં ઓનલાઈન ખરીદી માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. પશુઓની હેરાફેરી પર પણ નિંયત્રણો લાદવામાં આવ્યા હતાં. પઠાણ પરિવારે જણાવ્યું હતું કે તેમના કેટલાક પોડીશો દ્વારા કુરબાનીના પશુની ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી, પણ રાજ્યની સરહદે વાહનોને અટકાવાતા હોવાથી આ પશુઓની ડિલીવરી અટકી પડી છે. પોલીસ ખૂબ જ મુશ્કેલથી આ ટ્રાન્સપોર્ટરોને શહેરમાં પ્રવેશવા દે છે. જેથી શિવાજી નગરના ધણાં ખરીદારો ચિંતિત બન્યા છે. જમીલા પઠાણે જણાવ્યું હતું કે અમારી આસપાસ રહેતા ઘણાં લોકો નિરક્ષર હોવાથી તેમને પશુઓની ઓનલાઈન ખરીદી કઈ રીતે કરવી તે સમજાતું નથી. જેથી કેટલાક લોકો કુરબાની માટે જાનવરો લાવી શકયા નથી. હાલ સમગ્ર દેશમાં મુસ્લિમો કોરોનાની મહામારીના નિયમોને ધ્યાનમાં રાખી ઈદ-ઉલ-અઝહાની ઉજવણી માટે સજ્જ થઈ રહ્યા છે. ઘણાં રાજ્યોમાં ઈદ પ્રસંગે મસ્જીદો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી જ સ્થિતિ દેશના મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની બનેલી છે. રાજ્યમાં જાહેરમાં કુરબાની કરવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં ઈદને કારણે પોલીસની તહેનાતીમાં પણ વઘારો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આ રાજ્યોમાં પણ પશુ માર્કેટો બંધ છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં પણ પોલીસે ઈદ માટે પરિપત્ર જારી કરી કેટલાક નિંયત્રણો લાગુ કર્યા છે. ઉત્તરપ્રદેશમાં સપ્તાહના અંતે બે દિવસના લોકડાઉનનો નિયમ હોવાથી દેવબંદના મૌલવીઓએ આ દિવસે રાહત આપવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કેમકે ઈદ-ઉલ-અઝહા શનિવારે છે. મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાઓએ પણ રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો કે સરકારે જાહેર કરેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવે. બોમ્બે સબર્બન બીફ એસોસિએશનના ઉપ-પ્રમુખ ઈન્તેઝાર કુરેશીએ જણાવ્યું હતું કે આ તહેવારમાં જે વેચાણ કરનારા હોય છે તે સામાન્ય રીતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રના લોકો હોય છે. જેમને ઓનલાઈન ખરીદ વેચાણ કરતાં આવડતું નથી. તેમના બિઝનેસને ઓનલાઈન કરવાનો કોઈ અર્થ નથી. મુંબઈમાં રહેતા અને મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી અસલમ શેખે જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ઊભી થયેલી આર્થિક કટોકટીના કારણે બધું ઘોવાઈ ગયું છે. મધ્યપ્રદેશના ખંડવામાં રહેતા પશુ વેપારી નદીમ કુરેશીએ જણાવ્યું હતું કે દર વર્ષે ઈદમાં હું કુલ ૩૦,૦૦૦ જેટલા કમાઈ લઉં છું પણ આ વખતે મને એકપણ ઓર્ડર મળ્યો નથી. આ વખતની ઈદ ઘણી અલગ છે. લખનૌના પશુ બજારના મુખ્ય સંચાલક વિનય ગૌતમે જણાવ્યું હતું કે, આ તહેવારમાં અમે સમગ્ર ભારતમાં પશુઓ પહોંચાડીએ છે પણ આ વખતે સ્થિતિ અલગ હોવાથી અમે રાજ્ય બહાર જઈ ધંધો કરી શકતા નથી જેથી અમારા વેચાણને અસર થઈ છે. વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.