અમદાવાદ, તા.૭
ગુજરાતના વહિવટી તંત્રમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. તેમાં પણ મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંઘ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્ય સચિવને ૬ મહિનાનું એક્સટેન્શન આપવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ૧૮ અધિકારીઓ વર્ષના અંત સુધીમાં નિવૃત્ત થશે. ડૉ. સિંઘને એક્સટેન્શન આપવાનું કારણ આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર છે. ઉપરાંત હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ત્યારે મુખ્ય સચિવને નિવૃત્ત કરીને તેમના પદે નવા અધિકારીને મુકવા હિતાવહ ન હોવાથી તેમને એક્સટેન્શન આપવામાં આવશે.
રાજ્યના વહીવટી તંત્રમાં સનદી અધિકારીઓમાં ૧૧ આઇ.એ.એસ. અને ૭ આઇપીએસ અધિકારીઓ વર્ષ ૨૦૧૯ના અંતે વય નિવૃત્ત થઈ રહ્યા છે. આ અધિકારીઓ પૈકી રાજ્યના ચીફ સેક્રેટરી ડૉ. જે.એન. સિંઘને વર્તમાન વિજય રૂપાણી સરકાર છ મહિનાનું એક્સટેન્શન આપે તેવી શક્યતા છે. રાજ્યના નામ વહીવટીતંત્રમાં ૧૮ આઇએએસ- આઇપીએસ અધિકારીઓ વર્ષના અંતે વય નિવૃત્ત થશે. આ અધિકારીઓ પૈકી રાજ્યના વર્તમાન ચીફ સેક્રેટરી ડો. જે.એન સિંઘ અને કેન્દ્રમાં ગયેલા અધિકારી જી.સી. મૂર્મુને કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે તો આ બંને ઓફિસરોને કેન્દ્રમાં નિમણૂંક થવાની સંભાવના છે. ૭ મહિનામાં સિંઘ સહિત ૧૮ વય નિવૃત થશેઃ ગુજરાતના ચીફ સેક્રેટરી ડૉ. જે .એન. સિંઘ અને એસ.એલ.અમરાણી મે મહિનામાં વય નિવૃત્ત થશે. ત્યારે વર્તમાન ચીફ સેક્રેટરીને સરકાર દ્વારા એક્સટેન્શન મળશે. તો બીજી તરફ અન્ય ૧૬ સનદી અધિકારીઓ વર્ષના અંત સુધીમાં વય નિવૃત્ત થશે. તેમાં આનંદ મોહન તિવારી, આર એમ જાદવ, વી.એ વાઘેલા જૂન માસમાં નિવૃત્ત થશે. જ્યારે જુલાઈ મહિનામાં આર.જી ત્રિવેદી, જે.કે ગઢવી અને અમૃત પટેલ નિવૃત્ત થશે. સંજય પ્રસાદ, જી.સી .બ્રહ્મભટ્ટ, ગાંધીનગર કલેક્ટર એસ.કે લાંગા અને એચ.જે. વ્યાસ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે .જ્યારે લલિત પાડલીયા અને એસ.બી.પટેલ ઓક્ટોબરમાં તેમજ જીસી મૂર્મુ, સુજિત ગુલાટી અને પ્રેમકુમાર ગેરા નવેમ્બરમાં વય નિવૃત્ત થશે. સાથે-સાથે આર. એમ માકડિયા ડિસેમ્બરમાં નિવૃત્ત થશે. ૭ આઇપીએસ અધિકારીઓ પણ વય નિવૃત થવાના છે જેમાં એસ.એસ. ત્રિવેદી, એસ.એમ ખત્રી, વી એમ પારગી, આર.જે પારગી, મોહન ઝા, સતીષ શર્મા અને આર.જે. સવાણી તબક્કાવાર વય નિવૃત થશે. આમ રાજ્યની વહિવટી તંત્રમાં ૧૮ આઈએએસ અને ૭ આઇપીએસ ઓફિસરો વર્ષ ૨૦૧૯ના અંતે નિવૃત્ત થશે.