નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ સોમવારે પૂણેથી સાગર ગોરખે અને રમેશ ગૈચોરની અને મંગળવારે જ્યોતિ જગતાપની ધરપકડ કરી હતી
(એજન્સી) તા.૧૩
૨૦૦૨માં ગુજરાતની ઘાતક કોમી હિંસાથી વ્યગ્ર અને વ્યથિત થઇને પૂણેની વાડિયા કોલેજમાં અભ્યાસ કરતાં ૧૯ વર્ષના વિદ્યાર્થી રમેશ ગૈચોરે ગુજરાત રમખાણોના પ્રતિસાદમાં કબીર કલામંચ દ્વારા કવિતા મારફતે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
પૂણે જિલ્લામાં કોરેગાંવ ભીમા ગામ નજીક મરાઠા અને દલિત સમુહો વચ્ચે ફાટી નીકળેલ હિંસક અથડામણોના એક દિવસ પૂર્વે એટલેકે ૩૧, ડિસે.૨૦૧૭ના રોજ પૂણે શહેરમાં એલગાર પરીષદનું આયોજન કરનાર ૨૫૦ દલિત અને માનવ અધિકાર સંગઠનો પૈકીનું એક સંગઠન કબીર કલામંચ હતું. સપ્ટે.૭,ના રોજ ભીમા-કોરેગાંવ હિંસાના સંદર્ભમાં ગૈચોર અને કબીર કલામંચ ખાતે તેમના સાથી સાગર ગોરખેની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બીજા દિવસે કબીર કલામંચના એક વધુ સભ્ય જ્યોતિ જગતાપને પણ એનઆઇએની કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં અને આ રીતે ભીમા-કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલ કુલ સામાજિક કાર્યકરોની સંખ્યાં ૧૫ થઇ છે. આમાંની ૬ની ધરપકડ કોવીડ-૧૯ લોકડાઉન વચ્ચે એપ્રીલમાં થઇ હતી. પોતાની ધરપકડના બે દિવસ પૂર્વે ગૈચોર અને ગોરખેએ એક ફેસબૂક વીડિયોમાં એવો આક્ષેપ કર્યો હતો કે એનઆઇએ આ કેસમાં ધરપકડ કરાયેલાઓને ફસાવવા માટે તેમને નિવેદન આપવાની ફરજ પાડી રહી છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પૂછપરછ દ્વારા એનઆઇએ દ્વારા તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે જો આ કેસમાં તેઓ સાક્ષી બનવા તૈયાર નહીં થાય તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
કબીર કલામંચ માઓવાદી જૂથ સાથે કનેક્શન ધરાવે છે એવો આક્ષેપ પ્રથમ વખત થયો નથી. ૨૦૦૩માં પણ યુએપીએ હેઠળ બે સભ્યોની ધરપકડ થતાં આ ગ્રુપ ભૂગર્ભમાં ચાલ્યું ગયું હતું. ત્યારબાદ સાગર ગોરખે અને ગૈચોર સહિત ચાર વધુ સભ્યોની ધરપકડ કરાઇ હતી અને જાન્યુ.૨૦૧૭માં તેમને જામીન પર છોડી મૂંકવામાં આવ્યાં હતાં ત્યાર બાદ એલગાર પરીષદ-ભીમા કોરેગાંવ કેસમાં આ જ આરોપસર ફરી તેની ધરપકડ થઇ છે. આ કલાકારો તેમની આસપાસ દમનની જે સિસ્ટમ પ્રવર્તે છે તે લોકોને સમજાવવા માટે સંગીતના માધ્યમનો ઉપયોગ કરે છે. રમેશ ગૈચોર તેના સંસ્થાપક સભ્ય છે.જ્યારે જ્યોતિ જગતાપ ૨૦૧૭માં કબીર કલામંચમાં જોડાઇ તે પહેલા સેવાદળની તેજ તરાર સામાજિક કાર્યકર હતી. સાગર ગોરખે ૨૦૦૪માં કલામંચમાં જોડાયાં હતાં.
Recent Comments