એડિલેડ,તા. ૧
એડિલેડ ઓવલ ખાતે આવતીકાલથી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એસીઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય જીત મેળવી લીધા બાદ સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વધારે શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટમાં હાર ખાધા બાદ લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એસીઝ શ્રેણી જોરદાર રોમાંચક બનવાની સંભાવના દેખાઈ રહી છે. આગામી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વાપસી કરવાના પ્રયાસ કરી શકે છે.એડિલેડ ઓવલ ખાતેની મેચોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા માટે કેટલાક સારા રેકોર્ડ રહેલા છે. સ્ટીવ સ્મિથે માહિતી આપતા કહ્યુ છે કે ટીમ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે.